- એમ.એસ. યુનિવર્સિટી વડોદરા જિલ્લાના 32 હજાર નાના-મોટા ઉદ્યોગો સાથે જોડાશે
ભારતમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME)નું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા એમ.એસ. યુનિવર્સિટી વચ્ચે યુનિવર્સિટી ઇન્ડસ્ટ્રી ચર્ચા સત્ર યોજાયું હતું. જેના પરિણામ સ્વરૂપ એમ.એસ. યુનિવર્સિટી વડોદરા જિલ્લામાં આવેલા 32 હજાર નાના-મોટા ઉદ્યોગો સાથે જોડાશે. નોંધનીય છે કે, વડોદરા જિલ્લમાં પાદરા, પોર, કરજણ, મકરપુરા, વાઘોડિયા, સાવલી-મંજુસર, નંદેસરી અને સરદાર એસ્ટેટ જેવી મુખ્ય જીઆઇડીસી છે. જેમાંની નંદેસરી જીઆઇડીસીમાં આવેલી 275 કંપનીઓમાં આવનારા સમયમાં એમ.એસ. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઓડિટ કરશે.
લઘુ ઉદ્યોગ ભારતી, વડોદરાના અધ્યક્ષ વિરલ ચૌધરીએ જણાવ્યું હતું કે, એમ.એસ. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. વિજય કુમાર શ્રીવાસ્તવની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં જ્વેલ કન્ઝ્યુમર કેર પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોરડિયા, મેટ્રીક્સ પ્રા.લિ.નાં મેનેજિંગ ડિરેક્ટર ગણેશભાઈ જીવાણી, નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ચેરમેન બાબુભાઈ પટેલ, પોલિમેકપ્લાસ્ટ મશીન્સ લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર હિમંતભાઈ ભુવા અને સ્પોર સેફ્ટીના મેનેજિંગ ડિરેક્ટર નિશીત દંડ સાથે એમ.એસ.યુનિ. અને વિવિધ ફેકલ્ટીના ડીનની હાજરીમાં એમ.એસ. યુનિ. વડોદરા જિલ્લામાં આવેલા 32 હજાર નાના-મોટા ઉદ્યોગો સાથે જોડાશે.
આ સાથે બેઠકમાં ઉપસ્થિત નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ચેરમેન બાબુભાઈ પટેલે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ નંદેસરી જીઆઇડીસીમાં આવેલી 275 કંપનીમાં વિવિધ પ્રકારના ઓડિટ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. આ સાથે અમિન ઇન્ફોટેક દ્વારા જાહેરાત કરાઈ હતી કે, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ટેલી સોફ્ટવેરની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવશે. આ ઉપરાંત જે પણ વિદ્યાર્થીને ટેલી સોફ્ટવેરનું લાઇસન્સ વર્ઝન જોઇતું હશે તો તે પણ અપાશે.
આ ઉપરાંત આ બેઠકમાં અભ્યાસક્રમ વિકાસ, વિદ્યાર્થીઓ માટે કેસ સ્ટડીઝ, ઇન્ડસ્ટ્રી એક્સપોઝર, ઔદ્યોગિક મુલાકાતો, પ્રોજેક્ટ્સ, એક્સપર્ટ ટોક, ઉદ્યોગની જીવંત સમસ્યાઓ પર સંશોધન, સ્ટાર્ટ-અપ્સ, પ્લેસમેન્ટ્સ, રિસર્ચ સુવિધાઓ, કન્સલ્ટિંગ પ્રોજેક્ટ્સ, રિસર્ચ અને ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ્સ અને ઉદ્યોગ ઓડિટ જેવા અનેકવિધ ક્ષેત્રમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લઘુ ઉદ્યોગ ભારતી કેવી રીતે ઉપયોગી થઈ શકે છે તે વિશે પણ ચર્ચા કરાઈ હતી.