- રજિસ્ટ્રેશન બાકી હોવાથી નીતિન કટરા રોકાયો હતો અને રજિસ્ટ્રેશન થયા બાદ ગઇકાલે તે કટરાથી ચાલતા વૈષ્ણવોદેવી જવા નીકળ્યો હતો
વડોદરાથી અમરનાથની યાત્રાએ ગયેલા 10 મિત્રોના ગ્રુપ પૈકીના 42 વર્ષના યુવાનને રસ્તામાં જ વૈષ્ણોદેવી ખાતે એટેક આવતા મોત નીપજ્યું હતું. યુવાનના મૃતદેહને પ્લેનમાં વડોદરા લાવવામાં આવી રહ્યો છે. આ દુર્ઘટનાના પગલે મિત્રો અધવચ્ચેથી પાછા વડોદરા ફર્યા હતા.
વડોદરા શહેરના પાણીગેટ કહાર મહોલ્લામાં રહેતો નિતીન ઇન્દલભાઈ કહાર ઉંમર વર્ષ 42 કેબલ ઓપરેટર છે. ગત 27મી તારીખે નીતિન તથા તેના 10 મિત્રો અમરનાથની યાત્રા માટે વડોદરાથી નીકળ્યા હતા પરંતુ નીતિનનું રજીસ્ટ્રેશન બાકી હોવાથી તે કટરા રોકાઈ ગયો હતો અને રજીસ્ટ્રેશન થયા પછી અમરનાથ જવા રવાના થવાનો હતો.
ગઈકાલે નીતિન કહાર અને તેનો મિત્ર પ્રિન્સ કટરાથી વૈષ્ણોદેવી ચાલતા દર્શન કરવા નીકળ્યા હતા. આ દરમિયાન વૈષ્ણોદેવી મંદિર પાસે દર્શન કર્યા પછી તે અચાનક ઢળી પડ્યો હતો. જેને પગલે તાત્કાલિક નજીકમાં જ આવેલા ક્લિનિકમાં તેને સારવાર માટે તુરંત લઈ જવાયો હતો પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. નિતીનનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ પ્રિન્સ કટારાએ નીતિનના મૃત્યુની જાણ અમરનાથની યાત્રા માટે આગળ ગયેલા તેમના મિત્રોને કરતા તેઓ અમરનાથની યાત્રા અધૂરી છોડીને રસ્તામાંથી જ પરત કર્યા હતા. નીતિન કહારને સ્ટ્રેચર પર વૈષ્ણોદેવી મંદિરેથી નીચે લાવવામાં આવ્યો હતો. કટરાથી તેના મૃતદેહને જમ્મુ કાશ્મીરની હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. આજે મોડી રાત્રે પ્લેનમાં તેના મૃતદેહને જમ્મુ-કાશ્મીરની હોસ્પિટલમાંથી મુંબઈ અને મુંબઈથી વડોદરા આવતીકાલે સવારે લાવવામાં આવશે.