- વિરોધ પક્ષ કોંગ્રેસે કહ્યુ, કોર્પોરેશનમાં સફાઈ સેવકોને જે પ્રશ્નો છે તે હલ કરવાની દિશામાં પણ આટલી જ તત્પરતા દર્શાવવી જોઈએ
સ્વચ્છ ભારત અભિયાન હેઠળ વડોદરામાં મેયર સહિત નેતાઓ, અગ્રણીઓ અને કોર્પોરેટરો એક કલાકના સ્વચ્છતા શ્રમદાન માટે રોડ પર ઉતરી પડ્યા હતા, ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસે કહ્યું છે કે વડોદરા કોર્પોરેશનમાં સફાઈ સેવકોને જે પ્રશ્નો છે તે હલ કરવાની દિશામાં પણ આટલી જ તત્પરતા દર્શાવવી જોઈએ.
વડોદરા શહેર કોંગ્રેસે કહ્યું છે કે વડોદરા કોર્પોરેશનની હદનો વિસ્તાર વધ્યો છે, નવા ગામોનો સમાવેશ થયો છે, પરંતુ દિવસેને દિવસે સફાઈની બાબતમાં વડોદરા પાછળ જઈ રહ્યું છે. જે પ્રમાણે સફાઈ થવી જોઈએ તે થતી નથી. ઠેર-ઠેર કચરાના ઢગલા દેખાય છે, તેનું કારણે એ કે સફાઈ સેવકોનો અભાવ છે. સફાઈ સેવકોની ભરતી કરવામાં આવતી નથી, અને તેઓને જરૂરી સાધન સામગ્રી પણ મળતી નથી. કોર્પોરેશનમાં સફાઈ સેવકોને હલકી કક્ષાના સાવરણી અને ઝાડુ અપાય છે. કચરાની લારીઓ તૂટેલી હોય છે. કચરો ભરવા સુપડીયો અપાતી નથી. સફાઈ સેવકોને 720 દિવસ પૂરા થઈ ગયા હોય તો પણ કાયમી કરાતા નથી. આઠ-દસ વર્ષ થઈ ગયા હોય તો પણ ફક્ત રોજમદારી કરેલી છે.
વડોદરા કોર્પોરેશનમાં નવા વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ તે મુજબ સફાઈ કર્મચારીઓની ભરતી કરવામાં આવી નથી. રોજમદાર કર્મચારીઓને હાઇકોર્ટ દ્વારા પ્રતિદિન જે વેતન ઠરાવ્યું છે તે મુજબ અપાતું પણ નથી તેવો આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત વારસાઈને કાયમી નોકરી મળતી નથી. ખંડ સમય અને માનવ દિન જેવી ભરતી બંધ કરી રોજમદારી ભરતી કરવાની જરૂર છે. શહેરમાં સફાઈ ત્રણ શિફ્ટમાં થઈ તેવું આયોજન તંત્ર હાથ ધરવાની જરૂર છે.