વિશ્વામિત્રિ બચાવો સમિતિએ વડોદરા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી કે, વુડા સર્કલથી સમાને જાેડતા મંગલપાંડે રોડ પર અઘોરા સિટી સેન્ટર દ્વારા 3 ફૂટ ઊંચી ડ્રેનેજની ચેમ્બરો બનાવવામાં આવી છે, તે દબાણરૂપ છે તેને દૂર કરવાની માંગ કરી છે.
વિશ્વામિત્રિ બચાવો સમિતિના શૈલેષ અમીન સહિત કાર્યકરોએ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું કે, મંગલપાંડે રોડ પર નિર્માણ પામેલા અઘોરા સિટી સેન્ટર દ્વારા ડ્રેનેજના ચેમ્બર ઊંચા બનાવીને દબાણ કરવામાં આવ્યું છે. આ રોડ કાગળ પર ૨૭ મીટરનો બતાવવામાં આવ્યો છે અને હકીકતમાં ૧૮ મીટરનો રોડ છે. જેને પહોળો કરવા માટે કાર્યવાહી થઇ નથી. અઘોરા સિટી સેન્ટરને બાંધકામની પરવાનગી મંગલપાંડે રોડને ૨૭ મીટરનો ગણીને આપવામાં આવી છે. આ રોડ પર ભૂતકાળમાં અકસ્માતો પણ થયેલા છે. જેમાં આશાસ્પદ યુવાનોએ જીવ પણ ગુમાવેલા છે. પાલિકા આ બાબતે આંખ આડા કાન કરતી હોવાના આક્ષેપો કર્યા હતા. વિશ્વમિત્રી બચાવ સમિતિએ આ જે દબાણો થયા હોય તો તે તાત્કાલિક દૂર કરવાની માંગ કરી છે. આ અંગે વિશ્વમિત્રી બચાવ સમિતિએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.