વડોદરા પોસ્ટ વિભાગ દ્વારા 19થી 22 ડિસેમ્બર ઓલ ઇન્ડીયા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન

ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 36મી ઓલ ઈન્ડિયા પોસ્ટલ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાશે

MailVadodara.com - All-India-Volleyball-Tournament-organized-by-Vadodara-Post-Department-from-19-to-22-December

- ગુજરાત, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન સહિત 14 રાજ્યોના કોચ, મેનેજર સહિત 168 ખેલાડીઓ ભાગ લેશે

ટપાલ વિભાગ દ્વારા પ્રતિ વર્ષ દેશના વિવિધ રાજ્યોમાં કબડ્ડી, હોકી, ફૂટબોલ, બાસ્કેટ બોલ, વોલીબોલ જેવી 23 પ્રકારની રમત-ગમતોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા વડોદરામાં 36મી ઓલ ઈન્ડિયા પોસ્ટલ વોલીબોલ ટુર્નામેન્ટ-2023નું આયોજન કરવામાં આવ્યું છે. આ વોલીબોલ ટુર્નામેન્ટ તા. 19 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે.

પોસ્ટ માસ્ટર જનરલ સુચિતા જોષીએ આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, આ હરીફાઇમાં દેશના 14 પોસ્ટલ સર્કલની ટીમો ભાગ લેશે, જેમાં ગુજરાત, આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઓરિસ્સા, તમિલનાડુ, તેલંગાણા, પંજાબ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે અને આ રાજ્યોમાંથી કોચ, મેનેજર સહિત 168 ખેલાડીઓ ભાગ લેનાર છે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ટુર્નામેન્ટ તા.19 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર, 2023 દરમિયાન શહેરના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વડોદરા ખાતે રમાશે. ટુર્નામેન્ટમાં ભાગ લેનાર કુલ 14 ટીમોને પ્રારંભિક લીગની મેચ માટે ચાર પૂલમાં વહેંચવામાં આવી છે. દરેક પૂલમાંથી ટોચની ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. દરેક સેમિફાઇનલ મેચમાંથી વિજેતા ફાઇનલ રમશે.

પોસ્ટમાસ્ટર જનરલ સુચિતા જોષીએ જણાવ્યું કે, વડોદરા ખાતે યોજાનાર 36મી ઓલ ઈન્ડિયા વોલીબોલ ટુર્નામેન્ટની થીમ પર એક વિશેષ કવર 19 ડિસેમ્બર, 2023ના રોજ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન બહાર પાડવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને માત્ર રમવા અને મનોરંજન માટે જ નહીં પરંતુ વિવિધ પ્રદેશોની ભાષા, સંસ્કૃતિ અને પરંપરાઓને સમજવા માટે પણ આ આવી ટુર્નામેન્ટોનું આયોજન કરવામાં આવે છે.

તા.19 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર દરમિયાન વડોદરા સમા સ્પોર્ટ્સ ઇન્ડોર સ્ટેડીયમ ખાતે આયોજીત ઓલ ઇન્ડિયા વોલીબોલ ટુર્નામેન્ટની અન્ય માહિતી ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસ, વડોદરાના ડૉ.એસ.શિવરામે આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, રમત-ગમતોના માધ્યમથી ખેલાડીઓ એકબીજા પ્રદેશની સંસ્કૃતિ જાણે છે અને એકબીજા રાજ્યોના ખેલાડીઓ સાથે પરિચય કેળવે છે.

Share :

Leave a Comments