મુજમહુડા વિસ્તારના લોકોનો અકોટા સબ ડિવિઝન કચેરીએ હલ્લાબોલ, સ્માર્ટ મીટર અમારે જોઈતાં નથી

શહેરમાં સ્માર્ટ મીટરને લઈને દિવસને દિવસે વિરોધનો વંટોળ વધી રહ્યો છે

MailVadodara.com - Akota-sub-division-office-of-people-of-Mujamhuda-area-is-uproar-we-dont-want-smart-meter

- કમળાબેને કહ્યું, ‘પતિનો 9000 પગાર ને 8000 બિલ આવ્યું’ તો   અમારે શું કરવાનું?

- સ્થાનિક પૂજા ચૌહાણે કહ્યું, 15 દિવસમાં 2500 રૂપિયા લાઈટ બિલ અમને પોષાતું નથી

- કોઈ માઈનો લાલ જબરદસ્તી ઉઘરાણી કરે તો મારો સંપર્ક કરજોઃ કોર્પોરેટર મનીષ પગારે


શહેરમાં સ્માર્ટ મીટરને લઈને દિવસ ને દિવસે વિરોધનો વંટોળ વધી રહ્યો છે, ત્યારે મુજમહુડા વિસ્તારમાં રહેતા લોકોએ અકોટા સબ ડિવિઝન કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો અને ઉગ્ર વિરોધ કર્યો હતો. સ્માર્ટ મીટર અમારે જોઈતાં નથી, એવો સૂર વ્યક્ત કર્યો હતો અને લોકોએ અધિકારીઓને ઊભી પૂંછડીએ ભગાડયા હતા. સ્થાનિક કોર્પોરેટર મનીષ પગારે જણાવ્યું હતું કે કોઈપણ માઈનો લાલ તમારી પાસે જબરદરતી ઉઘરાણી કરવા આવે અને લાઈટ બિલ કાપે તો તમારે તમારા કોર્પોરેટરને બોલાવવાના. તમારે મારો સંપર્ક કરવાનો…

સ્થાનિક કમળાબેને જણાવ્યું હતું કે મારા પતિ વોચમેનમાં નોકરી કરે છે અને તેમનો પગાર 9 હજાર રૂપિયા છે અને સ્માર્ટ મીટરમાં અમારુ બિલ 8 હજાર રૂપિયા આવ્યું છે, અમે પરિવારમાં પતિ-પત્ની બે જ છીએ. એમ છતાં આટલું મોટું બિલ આવે છે. તો અમારે શું કરવાનું? અમને અમારું જૂનું મીટર પાછું આપો. અમારે નવું સ્માર્ટ મીટર જોઇતું નથી.


સ્થાનિક વીણા ચૌહાણે જણાવ્યું હતું કે અમારે મહિને 5 હજાર રૂપિયા લાઈટ બિલ આવે છે. અમારા ઘરવાળાઓનો પગાર પણ એટલો નથી. અમારા ઘરવાળાઓનો પગાર પણ 12થી 15 હજાર રૂપિયા છે. એમાં મહિને 5 હજાર રૂપિયા તો લાઈટ બિલમાં જતા રહે છે. પછી અમે ખાઈશું શું? અને છોકરાઓને શું ખવડાવીશું અને તેમને ભણાવીશું કેવી રીતે? અમારી લાઈટ ગમે ત્યારે કાપી નાખે છે. સૌથી વધુ ભ્રષ્ટાચાર જીઇબીમાં જ થાય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે પહેલા 2 મહિનાનું બિલ 2700 રૂપિયા આવતું હતું અને હવે 2 મહિને 10 હજાર રૂપિયા આવે છે. તો અમારે શું કરવાનું? અમારી માગણી છે કે અમને અમારા જૂના મીટર પાછા આપો અને તમારા સ્માર્ટ મીટર પાછા લઈ જાઓ. અમે લોકો ઝૂંપડપટ્ટીમાં રહીએ છીએ. અમારી પરિસ્થિતિ એવી નથી કે અમે આટલું મોટું લાઈટ બિલ ભરી શકીએ. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી નહીં જઈએ.


15 દિવસમાં 2500 રૂપિયા લાઈટ બિલ અમને પોષાતું નથી સ્થાનિક પૂજા ચૌહાણે જણાવ્યું હતું કે અમે આ સ્માર્ટ મીટરથી ખૂબ જ પરેશાન છીએ. 15 દિવસમાં 2500 રૂપિયા લાઈટ બિલ અમને પોષાતું નથી. અમારે સ્માર્ટ મીટર જોઈતા નથી. ગમે ત્યારે અમારા ઘરમાં લાઈટ બંધ થઈ જાય છે. અમારા ઘરમાં નાનાં-નાનાં બાળકો છે.

સ્થાનિક રુબી મિશ્રાએ જણાવ્યું હતું કે અમે મુજમહુડા ગામમાંથી મોરચો લઈને આવ્યા છીએ. બધાના ઘરમાં 3 હજાર, 5 હજાર અને 8 હજાર બિલ આવ્યાં છે. પહેલા આટલું બિલ નહોતું આવતું અને હવે આટલાં મોટાં બિલ આવ્યાં છે. મારે 5 હજાર બિલ આવ્યું છે. અમારી આવક એટલી નથી. અમારા ઘરમાં અડધી રાત્રે લાઈટ જતી રહે છે. ઘરમાં સિનિયર સિટિઝન છે. તેમને કંઈ થઈ જશે તો જવાબદારી કોની?


ભાજપના સ્થાનિક કોર્પોરેટર મનીષ પગારે લોકોને કહ્યું હતું કે, કોઈપણ માઈનો લાલ તમારી પાસે જબરદસ્તી ઉઘરાણી કરવા આવે અને લાઇટ બિલ કાપે તો તમારે તમારા કોર્પોરેટરને બોલાવવાના. તમારે મારો સંપર્ક કરવાનો. આપણે આટલા લોકો આવ્યા છે. તો એ લોકો ઊભી પૂંછડીએ ભાગી ગયા છે, તો એ શું આપણા મોહલ્લા-ગલીમાં આવે. જેનું પણ કનેક્શન કપાય ગયું હોય એ મારો સંપર્ક કરજો, તાત્કાલિક ચાલુ કરાવી દઈશ, નહીં તો આ લોકોને અહીં બેસવા નહીં દઉં. આપણે કાયદો હાથમાં લેવાનો નથી. આપણે પરિણામ લાવવાનું છે. આજે કોઈ નિર્ણય નહીં આવે તો આપણે કાલે ફરીથી ભેગા થઈશું. કોઈ વિસ્તારમાં લાઈટ જાય તો મારો સંપર્ક કરજો.


Share :

Leave a Comments