વડોદરા પાણી પૂરવઠા વિભાગ હસ્તકના આજવા સરોવર ખાતે નિમેટા પાણીના શુદ્ધિકરણ મથક પર એક કારચાલકની ભૂલથી ફીડર પાઈપલાઈનના એરવાલ્વમાં ભંગાણ થયું હતું. એરવાલ્વનું રિપેરિંગ થયા બાદ પાણી વિતરણ કરવામાં આવશે તેવો પત્ર વડોદરા કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. આજે સવારે પૂર્વ વિસ્તારના લાખો લોકોને પાણી મળ્યું નથી. જ્યારે આજે સાંજે પણ ઓછા પ્રેશરથી ઓછું પાણી વિતરણ કરવામાં આવશે.
વડોદરા કોર્પોરેશને બહાર પાડેલા પરિપત્રમાં જાહેર જનતાને જણાવ્યું છે કે, વડોદરા મહાનગરપાલિકા હસ્તકના આજવા સરોવર ખાતેથી નિમેટા પાણીના શુદ્ધિકરણ મથક પર ચંપાલીયાપુરા ગામ પાસે પાણી પૂરવઠો પૂરો પાડતી ફીડર પાઈપલાઈનના એર વાલ્વમાં ભંગાણ થયું છે. આથી નિમેટા પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટમાંથી પાણી પૂરવઠો મેળવતી ટાંકીઓમાં પાણી પહોંચશે નહીં, જેથી પાણી આપી શકાશે નહીં. આજે એરવાલ્વના રિપેરિંગનું કામ હાથ ધરાયું છે.
પૂર્વ વિસ્તારમાં આવેલા પાણીગેટ ટાંકી, બાપોદ ટાંકી, નાલંદા ટાંકી, ગાજરાવાડી ટાંકી, દંતેશ્વર બુસ્ટર, મહાનગર બુસ્ટર, સોમા તળાવ બુસ્ટર, મહેશનગર બુસ્ટર, નંદધ્યામ બુસ્ટર, સંખેડા દશાલાડ ભવન બુસ્ટર, સયાજીપુરા ટાંકી (આંશિક), આજવા ટાંકી (આંશિક) અને કાપુરાઇ ટાંકી (આંશિક) સાથે લાલબાગ ટાંકી (આંશિક) પરથી આજે સવારે પાણી અપાયું નથી. જ્યારે આજે સાંજે પણ આ ટાંકીઓ પરથી વિતરણ થતું પાણી ઓછા સમય, ઓછા દબાણથી અને નિર્ધારિત સમય કરતા વિલંબથી પાણી વિતરણ કરવામાં આવશે. નાગરિકોએ આ બાબતની નોંધ લેવા અને સહકાર આપવા વડોદરા કોર્પોરેશને અપીલ કરી છે.
ઉનાળો મધ્યાહને પહોંચ્યો છે અને શહેરના કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાણીનો કકળાટ યથાવત જોવા મળે છે. થોડાક દિવસ અગાઉ જ શહેરના પૂર્વ વિસ્તારમાં 3 દિવસ સુધી પાણી મળ્યું નહોતું, ત્યારે ફરી એકવાર વડોદરાના આજવા નિમેટા વચ્ચે 1500 MM લાઈનનો એરવાલ્વ પર વાહનચાલકે બેદરકારીથી કાર ચડાવતા પાણી લીકેજ થયું હતું, ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર જળ સંકટ ઊભું થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
વડોદરાના ચંપાલીપુરા પાસે ખાનગી વાહનની ટક્કરે એરવાલ્વ લીક થયો હતો. આ મામલે સ્થાનિક કોર્પોરેટર આશિષ જોશીએ વડોદરા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરતા કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી પૂર્ણ થતા પાણી વિતરણ રાબેતા મુજબ થઈ જશે તેવી હૈયા ધારણા આપી હતી અને નાગરિકોને અપીલ કરી હતી કે, પાણી નહીં આવે તો ટેન્કરો પહોંચાડીશું.
આ અંગે પાણી પુરવઠા અધિકારી દર્શીન મહેતાએ વાતચીતમાં જણાવ્યું હતું કે, ખાનગી વાહનની ટક્કરે આ ઘટના બની છે. નિમેટાથી આજવા તરફ જતા ચંપાલીપુરા ગામ આગળ બસ સ્ટોપ પાસે ખાનગી કા ચાલકે 1500 mm લાઈન તોડી નાખી છે. હાલમાં કામગીરી શરૂ છે. અમારા પ્રયત્નો છે કે, વહેલી તકે કામગીરી પૂર્ણ થાય.
લોકસભાની ચૂંટણી પ્રચારમાં ઉમેદવારો હાલમાં જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં વારંવાર આ પ્રકારે જળ સંકટ ઊભું થઈ રહ્યું છે, ત્યારે પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે અને અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા પ્રજાલક્ષી કાર્યો સમયસર નહીં થાય તો પ્રજા તેનું પરિણામ ચોક્કસથી આપશે. પરંતુ હાલમાં શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર પાણીનું સંકટ મંડરાઇ રહ્યું છે.