- શહેરના 9 કૃત્રિમ તળાવોમાં શ્રીજીની 18,710 મૂર્તિઓનુ વિસર્જન થયું
વડોદરામાં 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ મંગળવારે ભક્તોએ ગણપતિ બાપ્પાને શ્રદ્ધાભેર વિદાય આપી હતી. શહેરના 9 જેટલા કૃત્રિમ તળાવોમાં રાત્રિના 11 વાગ્યા સુધી 11,544 પ્રતિમાઓ સહિત કુલ 18,710 મૂર્તિઓનુ વિસર્જન થયું છે. ત્યારે હવે વિસર્જન બાદ પાલિકા તંત્ર કામે લાગ્યું છે. શહેરના નવલખી સહિતના કુત્રિમ તળાવોમાં સાફ સફાઈ આવી હતી. મંગળવારે વિસર્જનના દિવસે વાજતે ગાજતે શ્રીજીની પ્રતિમાઓનું ભક્તો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે બીજા દિવસે ત્વરીત પાલિકા તંત્ર કામે લાગ્યું હતું. સવારથી શહેરના વિવિધ કુત્રિમ તળાવો નવલખી, લેપ્રેસી ગ્રાઉન્ડ, માંજલપુર, દશામાં તળાવ, હરણી સહિતના તળાવો ખાતે સાફ સફાઈ હાથધરી હતી. તળાવોમાંથી સાફ સફાઈ કરી વિવિધ પાલિકાના વાહનો મારફતે જાંબુઆ ડમ્પિંગ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં સફાઈ સેવકો કામગીરીમાં જોતરાયા છે.
સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર તુલસીભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, નવલખી કુત્રિમ તળાવ ખાતે સફાઇની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 15 સફાઇ સેવકો કામે લગાવી દેવામાં આવ્યા છે. તળાવમાંથી બે ડમ્પર ભરી વિસર્જન કરવામાં આવેલી મૂર્તિઓ કાઢીને જામ્બુવા ડમ્પિંગ સ્ટેશન ખાતે મોકલી દેવામાં આવી છે.