- શોભાયાત્રાના આયોજક, બેન્ડ સંચાલક અને સાઉન્ડ સિસ્ટમના સંચાલક સહિત 7 લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો
વડોદરામાં ઠેકરનાથ મહાદેવ મંદિર નજીક સ્થાપિત કરેલા દશામાની મૂર્તિના આગમન યાત્રામાં યુવકના મોત બાદ પોલીસે આયોજક અને ડીજેના સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે.
ગત પહેલી તારીખે ઠેકરનાથ મહાદેવ મંદિર નજીક દશામાની મૂર્તિના આગમન ટાણે શોભાયાત્રા નીકળી હતી. કેશુભાઈની યાત્રામાં નાચવા બાબતે થયેલી તકરારમાં ત્રણ આરોપીઓએ પિયુષ ઠાકોર પર હુમલો કરતા તેને ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેના પગલે પાણીગેટ પોલીસે આયોજક સંતોષ બુધાભાઈ માછી તથા સહ આયોજક વિષ્ણુ કિરીટભાઈ વસાવા, મહેશ અશ્વિનભાઈ વસાવા, ઉમંગ રાજેશભાઈ વસાવા, રતન હિંમત રાવ પાટીલ, સુપર ઝનકાર બેન્ડના સંચાલક સતીશ રાણા તથા ન્યુ ભટ્ટ સાઉન્ડ સિસ્ટમના સંચાલક ઉત્કર્ષ ભટ્ટ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે રાત્રે 10 વાગ્યા સુધી પરમિશન હોવાથી પોલીસે રાત્રે 10:00 વાગે સાઉન્ડ સિસ્ટમ બંધ કરવા અને શોભાયાત્રા પૂર્ણ કરવા માટે આયોજકો નહીં સમજાવ્યા હતા. પરંતુ જન સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં હોય તેઓએ એકાઉન્ટ સિસ્ટમ બંધ કરી ન હતી. રાત્રે એક વાગ્યે શોભા યાત્રા નિર્ધારિત સ્થળે પહોંચી હતી.