બ્રેકઅપ બાદ ફોટો-વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી ત્રાસ આપતા પ્રેમીને અભયમે પાઠ ભણાવ્યો

એક વર્ષના પ્રેમ સંબંધ બાદ બ્રેકઅપ થતાં પ્રેમી યુવતીના ઘર આગળ જઇ હેરાન કરતો હતો

MailVadodara.com - After-the-breakup,-Abhayam-taught-the-lover-a-lesson-by-threatening-to-make-the-photo-video-viral

- યુવતી કોલેજ જાય ત્યારે પણ પ્રેમી તેને ફોન કરીને હેરાન કરતો હતો અને જો કોલ રિસીવ ન કરે તો તું બીજા કોઈ સાથે ગઈ હશે કહીને માનસિક ત્રાસ આપતો હતો

- યુવતી કોઈ મિત્ર સાથે વાત કરે તો પ્રેમી તે મિત્રને અને યુવતી બંનેને માર મારતો હતો

શહેરના છાણી વિસ્તારમાંથી પીડિત યુવતીનો કોલ મળ્યો હતો. એક વર્ષના પ્રેમ સંબંધ બાદ બ્રેકઅપ થતાં પ્રેમી પોતાના ઘરની આગળ આવી હેરાન કરતો હતો. ફોટો અને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપતા આખરે પીડિતાએ અભયમની મદદ લીધી હતી અને પ્રેમીને પાઠ ભણાવ્યો હતો.

વડોદરામાં મહિલાઓ, યુવતીઓ અને સિનિયર સિટીઝન માટે અભયમ 181 હેલ્પલાઇન હંમેશા કાર્યરત હોય છે ત્યારે અવારનવાર મદદ માટે કોલ મળતા હોય છે. વડોદરાના છાણી વિસ્તારમાંથી અભયમને પીડિતાનો કોલ આવ્યો અને જણાવ્યું કે, હું એક વર્ષથી પ્રેમ સંબંધમાં હતી. પ્રેમીને સંબંધ આગળ વધારવા માટેની ના કહી દેતા ફોટો અને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી અને રાતે મારા ઘર આગળ આવીને ઉભો રહી જાય છે. જેથી, મારી સોસાયટીના લોકો પણ મને ખરાબ નજરથી જુએ છે. મારી મદદ કરો.

અભયમની ટીમ પીડિત યુવતીનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે, પીડિતા એક વર્ષથી એક છોકરા જોડે પ્રેમ સંબંધમાં હતી. તેણી કોલેજ જતી તો પણ પ્રેમી તેને કોલ કરીને હેરાન કરતો અને જો કોલ રિસીવ ન કરે તો એવું કહેતો કે, તું બીજા કોઈ સાથે ગઈ હશે. તુ કોલેજે ભણવા જતી નથી. આવું કહીને તેને માનસિક ત્રાસ આપતો. ફક્ત આટલું જ નહી જો તેણી તેના કોઈ મિત્ર સાથે વાત કરતી તો તેને પણ મારતો અને પીડિતાને પણ મારતો હતો.

વધુમાં તેણીએ જણાવ્યું કે, મારા કોલેજમાં મારી કંઈ પણ ઈજ્જત નથી રાખી અને મને એવું જ કહે છે કે, તારે કોઈ ફ્રેન્ડ રાખવાના નહીં અને એકલું જ રહેવાનું. થોડી-થોડી વાતે મારા પર શંકા કરીને બસ મારપીટ કરે છે. જેથી મેં બ્રેકઅપ કરી દીધું છે તો હવે મને ફોટા અને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપે છે અને મને વારંવાર કોલ કરે છે અને હું કોલ રીસીવ નથી કરતી તો મોડા રાતે મારા ઘરની સામે આવી ઊભા રહે છે. જેથી મારી સોસાયટીના લોકો મને ખરાબ નજરથી જોવે છે, જેથી હું બહુ ડરી ગઈ છું.

ત્યારબાદ પીડિતાના પ્રેમીનું કાઉન્સિલિંગ અભયમ દ્વારા કરવામાં આવે છે અને કાયદાકીય સમજ આપી સમજાવવામાં આવે છે. તેઓને કહેવામાં આવે છે કે, તમારું જે વર્તન છે તે સારું નથી. આવી રીતના ફોટો-વીડિયો વાઈરલ કરવો સાયબર ક્રાઇમમાં ગુનો બને છે. કાયદાકીય સમજ આપી ત્યારબાદ પીડીતાના પ્રેમીએ હાથ જોડી પ્રેમિકા પાસે માફી માંગી હતી અને હવે પછી હું તને કોલ પર નહીં કરું અને કોઈ પણ જાતની હેરાનગતિ નહીં કરૂ, મારાથી ભૂલ થઈ ગઈ છે. હવે હું તારો પીછો નહીં કરું તેવી બાહેધરી પત્ર લખી આપી માફી માંગી હતી.

Share :

Leave a Comments