વડોદરાની આસપાસ હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા હવે સામાન્ય બની ગઈ છે. વડોદરા અમદાવાદ એક્સપ્રેસવે બાદ વાઘોડિયા રોડ પર એક કલાક સુધી ટ્રાફિક જામ રહેતા વાહન ચાલકો પરેશાન થયા હતા.
છેલ્લા કેટલાક સમયથી સિવિલ વર્ક, નાના મોટા અકસ્માત તેમજ પોલીસના અપૂરતા સ્ટાફને કારણે વડોદરા ની આસપાસ હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે.
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર મહીસાગરના બ્રિજ પર ચાલી રહેલા કામને કારણે એકથી દોઢ કલાક સુધી ટ્રાફિક જામ રહેતો હોય છે. તો બીજી તરફ દુમાડ પાસે પણ વારંવાર ટ્રાફિક જામના બનાવ બનતા હોય છે.
વડોદરાથી વાઘોડિયાની વચ્ચે પણ આવી જ સમસ્યા વારંવાર સર્જાતી હોય છે જેને કારણે નોકરીયાત તેમજ વિદ્યાર્થીઓને ભારે હેરાન થવું પડે છે. આજે આવી જ રીતે સવારે ટ્રાફિક જામ ની સમસ્યા થતા એક થી દોઢ કલાક સુધી વાહન ચાલકો અટવાયા હતા.