પંજાબમાં શરૂ કરેલી કંપનીની વડોદરામાં ઓફિસ ખોલીને 2 બેજાબાજો દ્વારા 83 લોકો સાથે 3 કરોડથી વધુની ઠગાઈ

ગોત્રી વિસ્તારમાં રહેતા શુભમ અગ્રવાલે કંપનીના કન્ટ્રી હેડ સહિત 2 સામે ફરિયાદ નોંધાવી

MailVadodara.com - After-opening-an-office-in-Vadodara-of-a-company-started-in-Punjab-2-miscreants-defrauded-83-people-of-more-than-3-crores

- ભેજાબાજોએ કોઈના એક લાખ તો કોઈના 29 લાખ રૂપિયા પડાવી લીધા

પંજાબમાં શરૂ કરેલી કંપનીની વડોદરામાં ઓફિસ શરૂ કરીને બે ભેજાબાજોએ કંપનીના કર્મચારીઓ અને ગ્રાહકો સાથે મળીને કુલ 83 લોકો સાથે 3.09 કરોડની છેતરપિંડી આચરી હતી અને ઓફિસ બંધ કરી દીધી હતી. ભેજાબાજોએ કોઈના એક લાખ તો કોઈના 29 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

મૂળ દાહોદના અને વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા શુભમ ગોવિંદકુમાર અગ્રવાલ (ઉં.વ. 31)એ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવલી ફરિયાદમાં જણાવ્યું છે કે, માર્કેટ સેલર નામની કંપની વડોદરાની બ્રાંચ ઓફિસમાં બ્રાંચ મેનેજર તરીકે 14 મે 2022ના રોજ નિમણૂક થઈ હતી. નોકરી દરમિયાન મને જાણવા મળ્યું હતું કે, આ કંપનીના જસ્મીત હરજીતસિંગ કન્ટ્રી હેડ (ઇન્ડિયા) હતા અને પ્રબોધ ત્યાગી કંપનીના પ્રોપરાઈટર હતા, જે કંપની બંધ થઈ જતા બીજી જગ્યાએ હાલ નોકરીની શોધમાં છું.

માર્કેટ સેલર કંપનીની મુખ્ય ઓફિસ પંજાબના અમૃતસર ખાતે આવેલી છે અને મારી બ્રાંચ મેનેજર તરીકે નિમણૂક થયેલી હતી. જસ્મીત હરજીતસિંગ કંન્ટ્રી હેડ (રહે. ગાજીયાબાદ, ઉત્તરપ્રદેશ અને પ્રણવ સુબિંધ ત્યાગી (રહે. મુજફ્ફરનગર, ઉત્તરપ્રદેશ)એ વડોદરાના ગેંડા સર્કલ પાસે મંગળા ઓસન બિલ્ડિંગમાં ભાડેથી બ્રાન્ચ ઓફિસ શરૂ કરી હતી અને બીજા લોકોન ઓફિસમાં નોકરી પર રાખ્યા હતા. તેઓએ પોતાની ઓળખ કન્ટ્રી હેડ ઇન્ડિયા તરીકે આપી હતી અને મને ઓનલાઈન ધંધો કરવાની તાલીમ આપવામાં આવી હતી.

ઓનલાઈન ધંધો માર્કેટ પ્લેસના નામથી થશે અને તે માટે નવા વેપારીઓ શોધી તેમના દ્વારા રોકાણ કરાવવા માટે જાણકારી આપવાની રહેશે અને નવા વેપારીને માર્કેટ પ્લેસના ત્રણ પ્લાન જેમાં (1) ઓરિજનલ પ્લાન (2) સ્વીટ પ્લાન અને (3) પ્રોફેશનલ પ્લાન સમજાવવાના રહેશે. જેમાં ઓરિજનલ પ્લાનમા 21 કેટેગરીની પ્રોડક્ટ હતી તે પૈકી 3 કેટેગરીની પ્રોડક્ટ વેપારીએ પસંદ કરવાની રહેતી હતી, તે જ રીતે સ્વીટ પ્લાન અને પ્રોફેશનલ પ્લાનમાં 21 કેટેગરીની પ્રોડક્ટ હતી, તેમાંથી 8 કેટેગરીની પ્રોડક્ટ ગ્રાહકોએ પસંદ કરવાની થતી હતી. આ માહિતી માર્કેટ સેલરની વેબસાઈટ ઉપર ઓનલાઈન જોઈ શકાતી હતી.

ઓનલાઈન બતાવીને વેપારીઓને તેમાં રોકાણ કરવા સમજાવવાનું હતું અને પહેલા ઓફલાઈન ધંધો શરૂ કરવા માટે મને સમજાવેલું. જેમાં કોઈ રોકાણકારને માર્કેટ સેલર કંપનીમાં નાણાંનું રોકાણ કરવું હોય તો તેમને બે તબક્કામાં એટલે કે, લાખ રૂપિયાથી ઓછા રોકાણ માટે 28-32 દિવસમા 6% નફો અને બીજા તબક્કામા લાખ રૂપિયાથી વધુ રોકાણ માટે 45-48 દિવસમા 12% નફો મળશે. આ રૂપિયાથી માર્કેટ સેલર કંપની મેન્યુફેક્ચરિંગ કંપની પાસેથી પ્રોડક્ટ જથ્થામાં ખરીદી અને તે પ્રોડક્ટ એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિતની ઓનલાઈન એપ્લિકેશન મારફતે વેચાણ કરે અને તેના ઉપર નફો મળે કે નફો ના મળે રોકાણકારોને રોકાણ કરેલા રૂપિયા તેમજ તેનો નફો મૂડી સાથે આપવામા આવશે તેમ જણાવ્યું હતું.

જેથી તા.25/05/2022થી ગ્રાહકો પાસે રોકાણ કરવાનું કામ શરૂ કર્યું હતું અને આ સમય દરમિયાન અમારી કંપનીએ નીચે મુજબના મારા, કર્મચારીઓ અને ગ્રાહકોના મળીને કુલ 83 લોકો પાસે રોકાણ કરાવ્યું હતું, જેમાં 3.09 કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું અને આરોપી જસ્મીત હરજીતસિંગ અને પ્રણવ સુબિંધ ત્યાગીએ અંગત ઉપયોગ માટે નાણાનો ઉપયોગ કર્યો હતો અને તમામ લોકો સાથે છેતરપિંડી આચરી છે. જેથી આ મામલે મેં ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે ઇકો ક્રાઈમ પ્રિવેન્શન બ્રાંચના પીઆઇ આર.એસ. ઠાકર તપાસ કરી રહ્યા છે.

Share :

Leave a Comments