- એડિટિંગ કરી યુવાનના ન્યૂડ ફોટો બનાવી તેના ઉપર માતા અને બહેન વિશે અભદ્ર શબ્દો લખી બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું
- પોલીસ અરજી પાછી લેવા યુવકને જેલભેગો કરવાની પણ ધમકી આપી
વડોદરાના યુવાનને ઓનલાઇન એપ્લિકેશનથી લોન લેવાનું ભારે પડ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવાનને 2.64 લાખની લોન આપ્યા બાદ તેના ફોટોને એડિટીંગ કરીને ન્યૂડ કરીને વોટ્સએપ પર મોકલ્યા હતા અને તેની માતા અને બહેન વિશે અભદ્ર ટીપ્પણી પણ કરી હતી. યુવાનને બ્લેકમેઇલ કરીને વધુ વ્યાજ સાથે 7.29 લાખ રૂપિયા પડાવ્યા હતા અને ત્યારબાદ પણ મારી પોલીસમાં પણ ઓળખાણ છે, તેમ કહીને આજીવન જેલભેગો કરી દેવાની ધમકી આપી હતી. જેથી યુવાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરાના વાસણા-ભાયલી રોડ પર રહેતા 24 વર્ષીય યુવાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ- 2022માં ઓક્ટોબર મહિનામાં અમારી દુકાનમાં નુકસાન થયું હોવાથી મારે લોનની જરૂર હતી. જેથી મેં લોન લેવા માટે સ્મોલ ક્રેડિટ-બડ્ડી કેસ અને લાઇટનિંગ રુપી-સિક્યોર લોન એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી અને સ્મોલ ક્રેડિટ-બડ્ડી કેસમાંથી એપ્લિકેશનની સિસ્ટમમાં ગોલ્ડ મની, ડ્યુઅલ કેસ, ન્યુ ક્રેડિટ, તારા રુપી અને ફેમિલી લોનમાંથી 2.64 લાખની લોન લીધી હતી. ત્યારબાદ લોનના નાણાં અને વધુ વ્યાજ ભરવા માટે મારી પાસે વધારે પૈસાની માંગણી કરી હતી. જેથી મેં વધારે પૈસા ભર્યાં હતા. પરંતુ આ લોકોએ મારા ફોટોનો દુરુપયોગ કર્યો હતો અને મારા ફોટોને ન્યૂડ ફોટોમાં એડિટીંગ કરીને તેના ઉપર મારા માતા અને બહેન વિશે અભદ્ર શબ્દો લખ્યા હતા અને મને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. જેથી મેં મારા એકાઉન્ટમાંથી ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કર્યાં હતા.
મેં ઓનલાઇન એપ્લિકેશનમાંથી 2.64 લાખની લોન લીધી હતી. જેની સામે મારી પાસેથી 4.65 લાખ રૂપિયા વધુ વ્યાજ સાથે ભરાવ્યા હતા. આમ મારી પાસેથી કુલ 7.29 લાખ રૂપિયા પડાવ્યા હતા. આટલા બધા રૂપિયા આપવા છતાં મારી પાસે વધારે રૂપિયા માંગતા મને છેતરપિંડી થયાની શંકા ગઈ હતી. જેથી મેં વધારે રકમ ટ્રાન્સફર કરી નહોતી અને મેં 1930 હેલ્પલાઇન પર અરજી આપી હતી. મેં આપેલી અરજીની તપાસ ચાલુ હતી.
આ દરમિયાન મને એક ફોન આવ્યો હતો કે, હું રામકબીર કન્સલ્ટન્સીમાંથી ઉમંગ પટેલ બોલું છું. તમારી અરજી પાછી લઇ લો અને મારા બેંક ખાતા ખોલાવી દો, નહીંતર તમારા બધા કોન્ટેક્ટ, આધાર કાર્ડ અને પાનકાર્ડની માહિતી મારા મર્ચન્ટ પાસે છે. તમારો સિબિલ સ્કોર ખરાબ કરાવી નાખીશ, મારી પોલીસમાં પણ ઓળખાણ છે. તમારી વિરુદ્ધ બનાવટી દસ્તાવજો ઉભા કરવાનો કેસ કરીને આજીવન જેલ ભેગો કરીને તને બરબાદ કરી નાખીશ. જેથી મેં જણાવ્યું હતું કે, હું મારી અરજી પાછી નહીં લઉ. જે થશે તે કાયદેસર કરીશું.
ત્યારબાદ પણ અવારનવાર મને ફોન કરીને ધમકીઓ આપી હતી અને SMS પણ કર્યાં હતા અને આજ દિવસ સુધી ધમકીઓ મળવાનું ચાલુ રહેતા અને રૂપિયા પરત ન આપતા મેં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાયબર ક્રાઇમે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.