- વીજ કંપનીના ચેકિંગ કરાતાં વીજ ચોરીના 19 તેમજ ગેરરીતિના 8 કેસ સામે આવ્યા
શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં થઇ રહેલી બેફામ વીજ ચોરીના પગલે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા પુનઃ એક વખત વીજ ચોરી સામે આજે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરી હતી. વીજ કંપની દ્વારા 290 વીજ કનેક્શન ચેક કરી રૂપિયા 8.25 લાખની વીજ ચોરી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
મળેલી માહિતી પ્રમાણે વીજ કંપનીની ટીમો દ્વારા આજે શહેરના બરાનપુરા, વાડી, જહાંગીરપુરા, ગોયાગેટ, સોમા તળાવ, પાંજરીગર મહોલ્લો, મહાવત ફળિયું, ગેંડા ફળિયું, રાવત શેરી, અલિફ નગર, હાથીખાના, નવાપુરા, મહેબૂબપુરા, ખારવાવાડ, કહાર મહોલ્લો અને કેવડાબાગ વિસ્તારમાં 290 જેટલા વીજ જોડાણોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. વીજ કંપનીના ચેકિંગ કરાતાં વીજ ચોરીના 19 તેમજ ગેરરીતિના 8 કેસ સામે આવ્યા હતા. વીજ કંપનીએ બંને કેસમાં રૂપિયા 8.25 લાખની વીજ ચોરી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આ તમામ મામલામાં વીજ કંપનીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, તા. 21 જાન્યુઆરીએ પણ બાવામાનપુરા, કાગડા ચાલ, પાણીગેટ શાક માર્કેટ, નાલબંધવાડા અને આસપાસના વિસ્તારમાં 350 વીજ જોડાણોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં પણ વીજ ચોરીના 10 કેસ ઝડપાયા હતા અને રૂપિયા 6.70ની વીજ ચોરી પકડાઈ હતી. સૂત્રોનું કહેવું છે કે, વીજ ચોરી પકડવા માટે આગામી દિવસોમાં પણ વીજ કંપનીનું અભિયાન ચાલુ રહેશે. જરુર પડશે તો વ્યાપક સ્તરે ચેકિંગ કરવા માટે મોટા પાયે કર્મચારીઓની ટીમો ઉતારવામાં આવશે.