ચાલવા નીકળેલી મહિલાના ગળામાંથી 2 તોલાની સોનાની ચેઇન તોડીને 2 શખસો બાઇક પર ફરાર

પ્રમુખસ્વામી ટાઉનશીપમાં રહેતા હેમલબેન પટેલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી

MailVadodara.com - After-breaking-the-2-tola-gold-chain-from-the-neck-of-a-walking-woman-2-persons-escaped-on-a-bike

શહેરના વાઘોડિયા રોડ પર આવેલ પ્રમુખસ્વામી ટાઉનશીપમાં રહેતા અને ખાનગી કંપનીમાં આસીસ્ટન્ટ મેનેજર અને તેમની પત્ની સહિત ત્રણ જણા ગતરાત્રે ચાલવા નીકળ્યા હતા. આ દરમિયાન ઉમા ચાર રસ્તા પાસે રાત્રે પાછળથી બાઈક પર આવેલા માસ્કધારી બે લૂંટારા પૈકી પાછળ સવાર આરોપીએ મહિલાના ગળામાંથી બે તોલા સોનાની ચેન તોડી લેતા બાઈક ચાલકે યુ-ટર્ન લઈને પૂર ઝડપે બાઈક ભગાવીને બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પાણીગેટ પોલીસે મહિલાની ફરિયાદના આધારે સીસીટીવીની મદદથી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ પ્રમુખસ્વામી ટાઉનશીપમાં રહેતા 43 વર્ષીય હેમલબેન પટેલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, રાત્રીના આશરે 9.30 વાગ્યાની આસપાસ હું, મારા પતિ હરેન્દ્રભાઇ પટેલ અને મારા પિતરાઇ દિયર દક્ષેશભાઈ પટેલ જમીને બહાર ચાલવા માટે નીકળ્યા હતા અને મારા પતિ હરેન્દ્ર પટેલ ચાલતા ચાલતા પગમાં દુઃખાવો થતાં તેઓ કલાદર્શન ચાર રસ્તા પાસે બાંકડા ઉપર બેસી ગયા હતા. હું અને મારો પિતરાઇ દિયર દક્ષેશભાઇ પટેલ કલાદર્શન ચાર રસ્તાથી ઉમા ચાર રસ્તા તરફ ચાલતા ચાલતા જતા હતા.

આ દરમિયાન રાત્રીના આશરે 9.45 વાગ્યાની આસપાસ ઉમા કો-ઓપરેટીવ બેંક પાસે અચાનક મારી પાછળથી બે અજાણ્યા શખસ તેમની બાઇક ઉપર બેસીને આવ્યા હતા અને પાછળ બેઠેલા શખસે મારા ગળામાં હાથ નાખી ગળામાં પહેરેલી 2 તોલાની સોનાની ચેન ઝુંટવી લીધી હતી અને બાઇક ઉપર ભાગી ગયા હતા. તે વખતે મેં બુમાબુમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. તે વખતે અમારી પાછળ ચાલતા આવતા એક રાહદારીએ જણાવ્યું હતું કે, તમારા ગળામાંથી ચેન ઝુંટવીને લઈ જનાર ચોર શખસોને મેં ઉમા ચાર રસ્તા તરફ ભાગી જોયા છે. આ મામલે મહિલાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે CCTVની મદદથી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

Share :

Leave a Comments