- ભાગમાં ખોદેલો ખાળકુવો ભરાઇ જતાં તેને ખાલી કરાવવા બાબતે યુવક પાડોશી સાથે વાત કરવા ગયો હતો
- લક્ષ્મીપુરા પોલીસે આરોપી દંપતીની ધરપકડ કરી, એકની શોધખોળ શરૂ
'આજે તો જેલ ભોગવવાની થાય તો ભોગવી લઈશ પણ આ પીયુષને પતાવી દેવો છે', તેમ કહીને ત્રણ લોકો યુવકને ઘરમાં ખેંચી ગયા હતા અને આ સમયે યુવકને ઢોર માર મારતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી, જેમાં તેનું મોત થયું હતું. જેથી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. લક્ષ્મીપુરા પોલીસે આરોપી પતિ-પત્નીની ધરપકડ કરી છે અને એક આરોપીની શોધખોળ શરૂ કરી છે.
વડોદરા શહેરના સમતા વિસ્તારમાં આવેલા ભેંસાસુરનગર ઝુપડપટ્ટીમાં રહેતા ઉષાબેન મગનભાઈ રાઠોડ (ઉ.57)એ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, અમારા પડોશી પ્રવિણભાઈ મોહનભાઈ પંચાલ અને અમારા મકાનની વચ્ચેના ભાગે સંયુક્તમાં એક ખાળકુવો બનાવ્યો છે. આ કુવો એકાદ બે વર્ષે ભરાઈ જતો હોવાથી કોર્પોરેશનમાં જાણ કરી ખાલી કરાવીએ છીએ અને આ કુવો 20 દીવસથી ભરાઈ ગયો હતો, જે ખાલી કરાવવા માટે પ્રવિણભાઈ પંચાલને અવાર નવાર વાત કરી હતી, પરંતુ તેઓ આ વાતને ધ્યાને લેતા નહોતા અને અમારી વચ્ચે બોલાચાલી થતી હતી.
આ દરમિયાન બુધવારે સાંજના 9 વાગ્યે મારો દીકરો પીયુષ પ્રવિણભાઈને કહેવા ગયો હતો, તે દરમિયાન તેઓના ઘરે પ્રવિણભાઈ તથા તેમની પત્ની શીતલબેન તથા તેમના બનેવી રમેશભાઈ હાજર હતા અને તેઓ એકદમ ઉશ્કેરાઈ જઈને જોરજોરથી બોલતા હતા, જેથી હું ઘરની બહાર આવી ગઈ હતી. આ સમયે પ્રવીણભાઈ તથા રમેશભાઈએ મારા દીકરાને પકડી રાખ્યો હતો અને શિતલબેન એમ બોલતા કે આજ તો જેલ ભોગવવાની થાય તો ભોગવી લઈશ પણ આ પીયુષને પતાવી દેવો છે, તેમ કહીને અને આ ત્રણેયે મારા દીકરાને તેમના ઘરમાં ખેંચી લઈ ગયા હતા. આ સમયે આસપાસના માણસો ભેગા થતા મારા દીકરાને તેઓ પાસેથી છોડાવવા ઘરમાં જતી વખતે મારો દીકરો તેઓ પાસેથી છટકીને બહાર આવી માથુ પકડી બેસી ગયો હતો. ત્યારબાદ થોડીવારમાં ઢળી પડ્યો હતો, જેથી અમારી પડોશમાં રહેતા મહેશભાઈ માળીએ 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી અને અમારા જમાઈ ગીરવતસિંહ મારા દીકરાને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે મારા દીકરા પીયુષને મૃત જાહેર કર્યો હતો.
પ્રવિણભાઈ મોહનભાઈ પંચાલ, તેમના પત્ની શીતલબેન પંચાલ (બન્ને રહે ભૈસાસુરનગર ઝુપડપટ્ટી, સી.એચ વિધ્યાલય સામે, સમતા, સુભાનપુરા, વડોદરા) અને તેમના બનેવી રમેશભાઈ છગનભાઈ સીખલીગર (રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી, સમતા, વડોદરા)એ ભેગા મળી ગડદાપાટુનો માર મારી આંતરિક ઈજા પહોંચાડીને મારી નાંખ્યો છે. જેથી મેં આ ત્રણેય સામે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ કે.એન.લઠિયાએ જણાવ્યું હતું કે, ખાળકુવો ખાલી કરવાની સામાન્ય બાબતમાં હત્યા થઈ છે. અમે બે આરોપીની ધરપકડ કરી છે અને ભાગી ગયેલા એક આરોપીની શોધખોળ શરૂ કરી છે.