રાજકોટની માનવસર્જિત દુર્ઘટના બાદ વડોદરામાં સત્તાનું અટ્ટહાસ્ય...!

રાજ્ય આખું શોકમાં છે અને નેતાઓને ક્રિકેટ રમવાનું સૂઝયું..!

MailVadodara.com - After-Rajkots-man-made-tragedy-the-power-in-Vadodara-is-a-mockery

- કેટલાક નેતા ‘ના ના કરતા નવ લાડુ ખાઈ આવ્યા....!!’


- શરમ કરો.. શરમ કરો..! સભા શોક દર્શક ઠરાવ બાદ મુલત્વી અને શ્રદ્ધાંજલિ આપી ક્રિકેટ રમી શકાય..!!


રાજકોટના માનવસર્જિત ગેમઝોન કાંડમાં બાળકો સહિત નિર્દોષ લોકોના મોતથી રાજ્ય આખું સ્તબ્ધ છે. જો કે વડોદરા શહેર ભાજપના નેતાઓએ મોતનો મલાજો જાળવવાને બદલે ક્રિકેટ રમવાનું સૂઝયું હતું. સત્તાનું અટ્ટહાસ્ય જોઈ શહેરીજનો નેતાઓ પર ફિટકાર વરસાવી રહ્યા છે.

       રાજ્યમાં જયારે જયારે માનવસર્જિત દુર્ઘટના સર્જાય ત્યારે ભાજપ સંવેદનશીલ હોવાનો દાવો કરી તમામ કાર્યકમો રદ કરે છે. ઠેર-ઠેર શોક દર્શક કાર્યક્રમો યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. રાજકોટ ની માનવસર્જિત TRP ગેમઝોન કાંડની દુર્ઘટનાએ રાજ્યના તમામ લોકોને હચમચાવી દીધા છે. સરકાર માટે શરમજનક ઘટનાથી મૃતકોના પરિવારજનોમાં ભારોભાર આક્રોશ છે. રાજ્યના તમામ લોકો તંત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે. 

સરકાર ઈજ્જત બચાવવા ધમપછાડા કરે છે. જો કે વડોદરા ભાજપને આ બધી વાતથી કોઈ નિસ્બત હોય એમ લાગતું નથી. તા.૨૫ મે ના એ કાળમુખા દિવસે રાજકોટમાં તંત્રની ઘોર બેદરકારી એ ૧૨ કિલ્લોલ કરતા માસુમ બાળકો સહિત ૨૮ લોકોના જીવ લીધા. બનાવને હજી ૪૮ કલાક પુરા થયા નથી ત્યાં તો વડોદરા શહેર ભાજપને ક્રિકેટ રમવાનું સૂઝયું.

શહેર ભાજપ સંગઠન દ્વારા મકરપુરા રોડ પર એસ. આર.પી ગ્રુપ-૯ ખાતે કાઉન્સિલરો અને પદાધિકારીઓ સહિત સંગઠનની  તથા ૧૯ વોર્ડ ની  મળી કુલ ૩૪ ટીમો બનાવી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસ બાદ પણ માસુમ ભૂલકાઓના મોતની ચીચીયારીઓના પડઘા ગુંજી રહ્યા હતા તો બીજી તરફ એસ.આર.પી ક્રિકેટ ગ્રાઉન્ડ પર અવનવા પોષાકમાં મોબાઈલ પર રિલ બની રહી હતી.  આને સત્તા નું અટ્ટહાસ્ય ના કહેવાય ? જેમણે દુનિયાદારી જોઈ નથી એવા માસુમ ભૂલકાઓ માટે નેતાઓની સંવેદના માત્ર દેખાડા પૂરતી હતી ? મોતનો મલાજો જાવળવવાને બદલે ક્રિકેટનો શોખ પૂરો કરવા અધીરા થયેલા નેતાઓમાં મહિલાઓ પણ જોડાઈ હતી. જયારે આખા ગામમાં નેતાઓ પર ફિટકાર વર્ષી રહ્યો હતો ત્યારે લૂલો બચાવ પણ કરવામાં આવ્યો. કેટલાક નેતાઓનું કહેવું છે કે અમે ઢોલ નગારા સાથે ઉદ્ઘાટન કરવાનું ટાળ્યું હતું. સાદાઈ થી ટુર્નામેન્ટનો પ્રારંભ કર્યો હતો અને ક્રિકેટ રમ્યા હતા. 

અહીં સવાલ એ છે કે એક તરફ સરકાર  સંવેદનશીલ હોય તો વડોદરા ભાજપની સંવેદના શું મરી પરવારી હતી ? ક્રિકેટ ટુર્નામેન્ટ મુલત્વી કરવામાં શો વાંધો હતો ? આ દરમ્યાન બે દિવસ બાદ મહાનગર પાલિકાની સામાન્ય સભા મળી હતી.

સભાખંડમા મળેલી સામાન્ય સભા રાજકોટની ઘટના ને લઈ શોકદર્શક ઠરાવ સાથે મુલત્વી કરવામાં આવી. અહીં નવાઈ વાત એ છે કે સભા મા હાજર રહેલા મેયર, ડે. મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિત તમામ કાઉન્સિલરો સભામા શોક પાળે છે અને બીજી તરફ ક્રિકેટ ગ્રાઉન્ડ પર જાય છે. જો શ્રદ્ધાંજલિ આપી ક્રિકેટ રમી શકાય તો શોક દર્શક ઠરાવ કરીને સભા કેમ ના ચલાવી શકાય ? પ્રજાના પ્રાણ પ્રશ્નોને પ્રાથમિકતા આપવી જોઈએ કે ક્રિકેટને ? સંગઠન અને પાલિકાના શિક્ષિત નેતાઓમાંથી એકપણ નેતાને એવુ ના લાગ્યું કે આવા સમયે ક્રિકેટ રમવું યોગ્ય નથી ?  

ખેર, કેટલાક નેતાઓ  અગાઉ થી જ પરિસ્થિતિ પામી ગયા એટલે એવા નેતાઓએ ટુર્નામેન્ટ ના પ્રારંભ બાદ બે ત્રણ ઓવર પછી મીડિયા નીકળી ગયા બાદ મેદાનમાં એન્ટ્રી મારી હતી. ટૂંકમાં મોડા મોડા પણ ક્રિકેટ રમી આવેલા નેતાઓ "ના ના કરતા નવ લાડુ" ખાઈ આવ્યા. શિસ્ત ને વરેલા પક્ષના બદલાતા રૂપથી શહેરીજનો પણ સ્તબ્ધ છે ત્યારે ભાજપના નેતાઓનું સત્તા નું અટ્ટહાસ્ય ટોક ઓફ ધ ટાઉન બન્યું છે.





એક વાર્તા...

કાચિંડો શરમાઈ ગયો...!


એક વાર એક કાચિંડો ભગવાન પાસે ગયો અને એણે પછ્યું,

કાચિંડો : ભગવાન આખી સૃષ્ટિમા રંગ બદલવાની સત્તા તો તમે મને એકલા જ આપી હતી.

ભગવાન : હા, તારી વાત તદ્દન સાચી છે.

કાચિંડો : તો પછી ધરતી પર માણસ પણ મારા જેમ રંગ કેમ બદલે છે ? અને એ પણ મારા કરતા ઝડપથી રંગ બદલે છે. મને હવે મારી જાત પર શરમ આવવા લાગી છે ભગવાન 

ભગવાન : જો તને ખબર નથી. હું તને સમજાવું, આ કળીયુગ છે.  આ સમયમા માણસ તારા કરતા પણ વધુ ઝડપથી રંગ બદલશે. તારે શરમાવવાની જરૂર નથી. તારા રંગ બદલવાથી કોઈને નુકસાન નહીં થાય પરંતુ માણસ ના રંગ બદલવાથી માણસને જ નુકસાન થશે.

કાચિંડાને થોડી રાહત થઈ. પરંતુ એને ચિંતા એ પણ હતી કે મારા કૌશલ્યની ઇજારાશાહી ખતમ થઈ જશે. એટલે એણે કળીયુગ કયારે પૂરો થશે અને કળીયુગ વિશે જાણવાની ઉત્કઁઠા પેદા થઈ. એણે ભગવાન ને ફરી પૂછ્યું,

કાચિંડો : ભગવાન આ કળીયુગ એટલે શું ?

ભગવાન : જો સાંભળ, આ એવો યુગ છે જેમાં માણસ રંગ બદલશે અને એમાં પણ રંગ બદલવામાં રાજકારણીઓ મોખરે રહેશે. આ યુગમા માણસ જ માણસના લોહીનો વેપારી બનશે, કોઈ પાણી વેચશે તો કોઈ ગરીબની જમીન, જોરૂ પચાવી પાડશે. જૂઠું બોલશે, કદાચ જોરથી પણ બોલશે. દેખાડો અને દગો પણ કરશે. માણસ બોલ્યા વેણ નહીં પાળે પરંતુ નદીના વેણ બદલશે. ગરીબોને નેતાઓ લૂંટશે. રક્ષક જ ભક્ષક બનશે,અમીરો વધુ અમીર બનશે. લુચ્ચા લફંગા સત્તા ભોગવશે. છેતરાયેલી પ્રજાની મતિ મારી જશે અને નેતાઓને ભગવાન માનશે . ટૂંકમાં કળીયુગમાં સાચા માણસ દુઃખી થશે અને નેતાઓ અને બદમાશો લહેર કરશે... સારા નેતાઓ આંગળીના વેઢે ગણી શકાય એટલા જ રહેશે.

કાચિંડો ભગવાનની વાત સાંભળી ચિંતાની ગર્તા મા ધકેલાઇ ગયો. ભગવાને તેને ઢંઢોળ્યો.. 

ભગવાન : શું થયું, તું કેમ ચૂપ છે..?

કાચિંડો : ભગવાન તમે જે જ્ઞાન આપ્યું તેનાથી હું ખુશ પણ છું અને દુઃખી પણ છું.

ભગવાન : કેમ એવુ ?

કાચિંડો : ભગવાન તમે કળીયુગ ની હાલત વર્ણવી એનાથી મને ચિંતા થઈ કે હું માણસ બનવાનું સપનું જોતો હતો એ હવે મારે ના જોવું જોઈએ. બીજું ખુશ એટલે છું કે હું કાચિંડો થઈ ને પણ માણસ કરતા સુખી છું. હવે મારે માણસનો જન્મ નથી જોઈતો. માણસ કરતા તો અમે જાનવર, જીવ જંતુ સારા છીએ. હવે ભલે માણસ મારા કરતા વધુ ઝડપ થી રંગ બદલે, મને કોઈ ફરક પડતો નથી...

Share :

Leave a Comments