શહેરમાં ગણેશ વિસર્જન બાદ કૃત્રિમ તળાવોની સફાઇ શરૂ, પૂજાપો એકત્રિત કરી સેન્દ્રીય ખાતર બનાવાશે

શહેરના પાંચ કૃત્રિમ તળાવમાં ગઈકાલે મોડી રાત સુધી વિસર્જન યાત્રા ચાલુ રહી

MailVadodara.com - After-Ganesh-immersion-in-the-city-cleaning-of-artificial-ponds-will-be-started-poojapo-will-be-collected-and-organic-compost-will-be-made

- ફૂલ અને પાનના ઓર્ગેનિક કચરાને કમ્પોસ્ટ ખાતર બનાવતા કન્વર્ટર મશીનમાં નાખી નિકાલ કરાશે, ખાતર બનતા 21 દિવસ લાગશે

- ખાતર બન્યા બાદ આશરે પાંચ ટન ઓર્ગેનિક કચરો મળે તેવી ધારણા


વડોદરામાં કોર્પોરેશન દ્વારા શ્રીજીની મૂર્તિઓ માટે બનાવેલા પાંચ કૃત્રિમ તળાવમાં ગઈ મોડી રાત સુધી વિસર્જન વિધિ ચાલુ રહી હતી. ગઈકાલે સવારથી શરૂ થયેલી વિસર્જન વિધિ દરમિયાન તળાવ કિનારે પૂજાપો વગેરે એકત્રિત કરવા અલગથી સુવર્ણ કુંભ મૂકવામાં આવ્યા હતા. આ કુંભમાં એકત્રિત થયેલ પૂજાપાને સેગ્રીગેટ કરી તેમાંથી સેન્દ્રીય ખાતર બનાવવામાં આવશે.

આજે સવારથી પાંચેય તળાવ ખાતે સફાઈ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. કોર્પોરેશનના વર્તુળોના જણાવ્યા મુજબ પૂજાપામાં લોકો એ બાયોડીગ્રેડેબલ સિવાયની પ્લાસ્ટિક વસ્તુઓ પણ સુવર્ણ કુંભમાં ઠાલવી હોવાથી સૌથી પહેલા તે બધું અલગ કરવામાં આવશે અને જે બાયોડીગ્રેડેબલ હશે તે સીધું ખાતર બનાવવાનું કમ્પોસ્ટ ખાતર બનાવવાનું જે કન્વર્ટર મશીન છે તેમાં ઠાલવવામાં આવશે. જેમાં ફૂલ-પાન વગેરે ઠાલવવાથી સેન્દ્રીય ખાતર તૈયાર થઈ જશે. કોર્પોરેશન દ્વારા આવા બાર કન્વર્ટર મશીન મૂકવામાં આવ્યા છે. આ મશીનો ઉપરાંત અટલાદરા પ્લાન્ટ તેમજ ગોત્રી ખાતે યુસીડીની બહેનો દ્વારા પણ ખાતર તૈયાર કરવામાં આવશે. અહીં જે બાયોડીગ્રેડેબલ વસ્તુ આવશે તેમાં માટી, ગોબર વગેરે નાખીને બોક્સમાં ભરી દેવાશે. આ ખાતર બનતા 21 દિવસનો સમય લાગશે. જો આ દરમિયાન વરસાદ પડી જાય તો બાયોડિગ્રેડેબલ પદાર્થમાં ભેજ આવી જતા ફરી પાછું વિલંબ થાય છે. 


વડોદરા કોર્પોરેશનને ધારણા છે કે, આશરે પાંચ ટન બાયોડિગ્રેડેબલ મટીરીયલ ખાતર બનાવવામાં મળી શકશે. તળાવની અંદર પૂજાપો વગેરે પધરાવતા તળાવનું પાણી પૂજાપો કોહવાતા ગંદુ થાય છે, અને તેના લીધે સફાઈના પણ વિકટ પ્રશ્નો ઊભા થાય છે. જેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા પાણી ગંદુ ન બને તેવા પ્રયાસરૂપે તમામ તળાવના કિનારે સુવર્ણ કુંભ મુકવાનું ચાલુ કર્યું છે. જેમાં પૂજાપો વગેરે નાખવા લોકોને અપીલ કરી હતી. 


અગાઉ દશામા પર્વ નિમિત્તે કૃત્રિમ તળાવમાં મૂર્તિ વિસર્જન વિધિ થઈ ત્યારે પણ પૂજાપો સુવર્ણના કુંભમાં એકત્રિત કરી સેન્દ્રીય ખાતર બનાવવામાં આવ્યું હતું. જે સેન્દ્રીય ખાતર બને છે તેનો ઉપયોગ કોર્પોરેશનના બાગ બગીચામાં છોડના ઉછેર માટે કરવામાં આવે છે. ઓર્ગેનિક કમ્પોસ્ટ કન્વર્ટર મશીનની ક્ષમતા 500 કિલોની હોય છે. જેમાંથી 60 ટકા એટલે કે 300 કિલો જેટલું કમ્પોસ્ટ ખાતર બને છે. ઓર્ગેનિક કમ્પોસ્ટ મશીનમાં ઓર્ગેનિક કચરો નાખ્યા બાદ તેની નક્કી કરેલી સાયકલ હોય છે જે મુજબ દર અઠવાડિયે આ મશીનમાંથી કમ્પોસ્ટ ખાતર એકત્રિત કરી લેવાય છે.

Share :

Leave a Comments