- મહિલાને માથામાં અને હાથના ભાગે ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા
હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે, ત્યારે જર્જરીત ઈમારતો ધરાશાયી થવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે આજે શહેરના બાજવાળા વિસ્તારમાં એક મકાનના અંદરનો ભાગ ધરાશાયી થતા બે વ્યક્તિ ફસાયા હોવાનો કોલ વડોદરા ફાયર અને ઈમરજન્સી સેવાને મળતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં સદનસીબે મોટી જાનહાની ટળી છે.
વડોદરા શહેરના બાજવાળા વિસ્તારમાં મેન રોડ શેરીના નાકે આવેલ એક જુના મકાનનો કેટલોક ભાગ ઘરાશાયી થતા ઘરમાં રહેલા બે સભ્યો ફસાયા હતા. આ અંગેનો કોલ વડોદરા ફાયર વિભાગની ટીમને મળતા તાત્કાલિક ફાયર વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન એક વ્યક્તિને રેસ્ક્યુ કરવામાં આવી હતી અને તેઓને ઇજાઓ પહોંચતા સારવાર થઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતની ઘટનામાં ઘરમાં રહેલ કૈલાશબેન પંચાલ અને તેઓની દીકરી અંદર હતા, તે દરમિયાન બની હતી. ફાયરના જવાનો દ્વારા તાત્કાલીક ધોરણે સહીસલામત બહાર કાઢવામાં આવ્યાં હતાં. આ ઘટનામાં કૈલાશબેનને માથામાં અને હાથના ભાગે ઈજાઓ થતાં તેઓને તાત્કાલિક ફાયર વિભાગની એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
દરમિયાન મકાનની અંદર વીજ પુરવઠાને બંધ કરવા માટે એમજીવીસીએલની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. આ સાથે જ ગેસ કંપનીની ટીમ અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે બચાવની કામગીરી હાથ ધરી હતી.
જર્જરીત મકાન હોવા છતાં પણ તેનો ઉપયોગ કરતા આ ઘટના બની હતી. નિર્ભયતા શાખા દ્વારા અવારનવાર વડોદરા શહેરમાં જર્જરીત મકાનો અંગેની નોટિસ આપવામાં આવે છે, પરંતુ તેના પર કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે ફરી એકવાર મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ આ ઘટનામાં નિર્ભયતા શાખાને જાણ કરવામાં આવી છે. ત્યારે નિર્ભયતા શાખા દ્વારા જો કડક કાર્યવાહી કરવામાં આવે તો આવી ઘટનાઓને ટાળી શકાય છે.