- મોજ શોખ માટે ટુ વ્હીલરની ચોરી કરી આરોપી 15 હજારમાં વેચી દેતો હતો
- માંજલપુર પોલીસે ચોરી કરેલી 10 બાઇક તથા એકટીવા રીકવર કરી
વડોદરા શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારને ટાર્ગેટ કરીને બાઇકો તથા એક્ટિવાની ચોરી કરનાર આરોપીને પકડી પાડી આરોપી પાસેથી ચોરી કરેલી 10 બાઇક તથા એકટીવા માંજલપુર પોલીસે રીકવર કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
શહેરના માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઈકો અને એક્ટીવાની ચોરીઓ અવારનવાર થતી હોવાનું અને ટુ-વ્હીલરની ચોરી કરનાર શખસો માંજલપુર વિસ્તારમાં આવતો જતો હોવાની પોલીસને બાતની મળી હતી, જેથી બાતમી તેમજ હ્યુમનસોર્સ આધારે ટીમ દ્વારા કલ્યાણબાગ ગરબા ગ્રાઉન્ડ માંજલપુર ખાતે પાર્કિંગમાં પાર્ક કરેલ અપાચી ટુ-વ્હીલર પર બેસી બાઇકના સ્ટેઇરીંગ હલાવતો શંકાસ્પદ જણાઈ આવ્યો હતો. વિજય રણજીતભાઈ પઢીયાર (ઉ. 36) (રહે. મુજપુરા ફળીયું, જાસપુર ગામ, તા પાદરા જી.વડોદરા) પાસે કાગળો માંગતાં તેઓ આ અંગે કોઇ સચોટ હકીકત જણાવી નહી શકતા તેની પર વધુ શંકા ગઈ હતી.
જેથી અપાચી ટુ-વ્હીલર અંગે સઘન પુછપરછ કરતો શખસે તેની પાસેથી મળી આવેલ અપાચી ટુ-વ્હીલર મનહનગર અલવાનાકા માંજલપુર ખાતેથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તેમજ છેલ્લા 6 માસમાં વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ નીચેથી, સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર તથા માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બીજી 10 બાઈક અને એક્ટિવાની ચોરી કરી હતી. જેથી પોલીસે તેને સાથે રાખી તપાસ કરતાં 10 ટુ-વ્હીલર તથા એક્ટિવા શખસ પાસેથી મળી આવી હતી.
પોલીસે આરોપી પાસેથી 4,30,000નો મુદ્દામાલ તેની પાસેથી જપ્ત કર્યો છે. આરોપીની પુછપરછ કરીને કબ્જે કરેલ મુદ્દામાલ તપાસ દરમિયાન વડોદરા શહેરના સયાજીગંજ, ફતેગંજ, માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ટુ-વ્હીલર બાઇક તથા એક્ટિવા ચોરી થયા અંગેના ગુનાઓ નોંધાયેલ 10 વાહનચોરીના અનડીટેકટ ગુનાઓનો ભેદ ઉકેલવામાં માંજલપુર પોલીસ ટીમને સફળતા મળી છે.
આરોપી વિજયભાઈ રણજીતભાઈ પઢીયારે ધોરણ આઠ સુધીનો અભ્યાસ કરેલો છે અને ખેતીકામ કરી જીવન ગુજરાન ચલાવતો હોય ખેતીકામમાં ઓછુ મહેનતાણું મળતુ હોય. મોજશોખના ખર્ચા માટેના રૂપિયા જલ્દીથી મેળવવાના ઇરાદે વડોદરા શહેરમાં આવી વડોદરા શહેરના સયાજીગંજ, ફતેગંજ, માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ટુ-વ્હીલર બાઇક તથા એક્ટિવા ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી તેમજ ચાવી લગાડેલ હાલતની એક્ટિવાની ચોરી કરી હતી, તથા એક્ટિવા માત્ર 10થી 15 હજારમાં પોતાના આર્થિક ફાયદા માટે જુદા-જુદા લોકોને વેચી હવાનું તપાસમાં બહાર આવ્યું છે. આરોપી સામે અગાઉ નાર્કોટીક્સ ડ્રગ્સનો ગુનો પણ નોંધાયેલો છે.
માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઇ એલ.ડી. ગમારાએ જણાવ્યું હતું કે, આરોપીને ચોરીની 10 ટુ વ્હીલર સાથે ઝડપી પાડ્યો છે અને આ મામલે અમે વધુ તપાસ શરૂ કરી છે.