વડોદરામાં 5 વર્ષના માસૂમ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર આરોપીને 10 વર્ષની કેદ, 5 હજારનો દંડ

વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશનમાં 2019માં આરોપી સામે ફરીયાદ નોંધાઇ હતી

MailVadodara.com - Accused-who-committed-an-act-against-nature-with-5-year-old-innocent-in-Vadodara-sentenced-to-10-years-imprisonment-fine-of-5-thousand

- આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ફરમાવાઇ

વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ગઈ તા. 07/06/2019ના રોજ ફરીયાદીએ આરોપી ચમનસીંગ બ્રિજકિશોરસીંગ રાજપુતની સામે ફરીયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદીનો 5 વર્ષનો સગીર દીકરો તારીખ 06/06/2019ના સાંજના સાડા 7 વાગ્યાથી 8 વાગ્યાના સમય દરમિયાન આરોપી ફરીયાદીના સગીર દીકરાને મકાનના ધાબા ઉપર અંધારામાં લઇ જઇ સૃષ્ટી વિરૂદ્ધનું ગુનાહીત કૃત્ય આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.

આ બાબતે તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં આરોપી ચમનસીંગ બ્રિજકિશોરસીંગ રાજપુત (ઉ.વ.21, રહે. નહેરૂપાર્ક સોસાયટી, વૃંદાવન ચોકડી પાસે, બાજવા ગામ, તા.જી.વડોદરા.મૂળ રહે.દક્ષિણ બનઘટી જી.ગોપાલગંજ, છાપરા, બિહાર રાજ્ય) સામે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ, પોસ્કો અને એટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુન્હાની તપાસ દરમિયાન તપાસ કરનાર અધિકારીએ જરૂરી પુરાવા અને ભોગ બનનાર સગીરના નિવેદનો મેળવી ભોગ બનનાર સગીરનું સી.આર.પી.સી.કલમ-164 મુજબ નિવેદન લેવડાવવામાં આવ્યું હતું.

આ તપાસ સંદર્ભે મેડીકલ પુરાવાઓ તેમજ વૈજ્ઞાનીક પુરાવા અને દસ્તાવેજી પુરાવાઓ મેળવવામાં આવ્યા હતા. આ ગુનામાં સંડોવાયેલ આરોપી ચમનસીંગ બ્રિજકિશોરસીંગ રાજપુતની ધરપકડ કરી હતી. આ આરોપી સામે તપાસ દરમિયાન પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા અને આરોપી સામે સમયમર્યાદામાં કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવી હતી. આ કેસમાં સરકાર તરફ વકીલ હાજર રહી ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી. આ કેસના કામે નામદાર કોર્ટે રજૂ થયેલ પુરાવાઓ તથા મહત્વના નિવેદનો તેમજ સરકારી વકીલની દલીલોને ધ્યાને લઇ સ્પે.પોક્સો જજ અને ચોથા એડી.સેશન્સ જજ પ્રિયંકા અગ્રવાલની કોર્ટમાં કેસ ચાલી જતા સેશન્સ કોર્ટે આરોપી ચમનસીંગ બ્રિજકિશોરસીંગ રાજપુતને આ ગુનામાં દોષિત ઠરાવી આરોપી ચમનસીંગ બ્રિજકિશોરસીંગ રાજપૂતને 10 વર્ષની સાદી કેદની સજા સાથે રૂપિયા 5 હજારના દંડની સજાનું ફરમાન કર્યું હતું. તેમજ આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ફરમાવવામાં આવી છે.

Share :

Leave a Comments