અમદાવાદની જેલમાંથી વચગાળા જામીન મેળવી ફરાર થયેલો આરોપી વડોદરામાંથી ઝડપાયો

ક્રાઈમ બ્રાન્ચના પેરોલ-ફર્લો સ્કવોડે બાતમી આધારે આરોપીને મહેતા પોળ પાસેથી ઝડપ્યો

MailVadodara.com - Accused-who-absconded-from-Ahmedabad-Jail-on-interim-bail-was-caught-from-Vadodara

- પકડાયેલો કેદી સમીર ઉર્ફે બંટી પંડ્યા સામે ખુન, ખુનનો પ્રયાસ, ખંડણી, મારામારી, લૂંટ, જેલ કાયદાના ભંગ, હદપાર ભંગ વિગેરે મળી 30 જેટલા ગુનાઓ નોંધાયેલા છે

વડોદરા શહેર પોલીસ દ્વારા અવારનવાર જેલમાંથી અને જામીન દરમિયાન ફરાર થયેલા આરોપીઓની ફરિયાદો સામે આવતી હોય છે. ત્યારે વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ/ વચગાળાના જામીન પરથી છૂટ્યા બાદ પર જેલમાં હાજર ન થઈ બારોબાર ફરાર થઈ ગયેલા કેદીઓને શોધી કાઢવાની પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચનાને આધારે ખુનના ગુનામાં પકડાયેલો અને વચગાળાના જામીન મેળવી ફરાર આરોપીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વર્ષ 2019માં સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખુન તથા ખુનના પ્રયાસના ગંભીર ગુનામાં પકડાયેલો રીઢો આરોપી સમીર ઉર્ફે બંટી અશોકભાઇ પંડયા (રહે.વસુધા એપાર્ટમેન્ટ, મંગળબજાર, વડોદરા)ની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીને સુરક્ષા કારણોસર અમદાવાદ ખાતે સાબરમતી મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવ્યો હતો. તે દરમિયાન આ કાચા કામના કેદી સમીર ઉર્ફે બંટી પંડ્યાને ગઇ તા. 29 નવેમ્બર, 2023ના રોજ વચગાળાની જામીન રજા ઉપર અમદાવાદ મધ્યસ્થ જેલથી મુક્ત કર્યો હતો. આ શખસે વચગાળાની જામીન રજા પૂર્ણ કર્યા બાદ પરત અમદાવાદ જેલ ખાતે હાજર થવાનું હતું. પરંતુ આ કેદી જેલમાં હાજર થયો નહીં અને બારોબાર ફરાર થઇ ગયો હતો.


જેથી અમદાવાદ મધ્યસ્થ જેલ તરફથી આ ફરાર થયેલા કેદીને શોધી કાઢવા માટેના મળેલા પત્ર આધારે ક્રાઈમ બ્રાન્ચના પેરોલ-ફર્લો સ્કોડના પોલીસ સબ ઇન્સપેકટર કે.જે.વસાવા તથા ટીમે આ કેદીની સતત શોધખોળ કરી હ્યુમન સોર્સ આધારે ચાંપાનેર રોડ મહેતા પોળ પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે. આ કેદી અમદાવાદ જેલનો કાચા કામનો કેદી હોવાથી અને વચગાળાના જામીન રજા પરથી ફરાર થયેલો કેદી હોવાથી આ કેદીને અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં સોંપી જેલ હવાલે કરવામાં આવ્યો છે.

આ પકડાયેલો કેદી સમીર ઉર્ફે બંટી અશોકભાઇ પંડયા સામે ખુન, ખુનનો પ્રયાસ, ખંડણી, મારામારી, લૂંટ, જેલ કાયદાના ભંગ, હદપાર ભંગ વિગેરે મળી 30 જેટલા ગુનાઓમાં પકડાયેલો છે. આ આરોપી રીઢો ગુનેગાર છે અને તેને અમદાવાદ ખાતે જેલ હવાલે કરવામાં આવ્યો છે.

Share :

Leave a Comments