વડોદરા શહેરના વાઘોડિયા રીંગરોડ ગુરુકુળ પાસે કૃત્રિમ તળાવ નજીક આવતા શહેરીજનોના મોબાઇલ ફોન ચોરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ વૈકુંઠ સોસાયટી-1 પાસે દર્શનમ વાટીકા સોસાયટીમાં રહેતા નિલેશકુમાર નરસિંહભાઈ પટેલની વાઘોડિયા જીઆઇડીસી ખાતે ગજાનન ઇલેક્ટ્રોનિક્સ નામની ફેક્ટરી છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે અમારે સોસાયટીના રહીશો સાથે ગણપતિની મૂર્તિ વાઘોડિયા રીંગરોડ ગુરુકુળ ચાર રસ્તા સામે કૃત્રિમ તળાવ પર વિસર્જન કરવા માટે સાંજે સાડા પાંચ વાગ્યે નીકળ્યા હતા. છ વાગ્યે અમે કૃત્રિમ તળાવ પહોંચ્યા હતા. ત્યારબાદ મેં મૂર્તિના ફોટા પાડી મારો મોબાઇલ કુર્તાના ખીસ્સામાં મૂક્યો હતો. થોડીવાર પછી મેં ચેક કરતાં મારો મોબાઇલ ગુમ થઈ ગયો હતો. મારા દીકરાએ વિડીયોગ્રાફી કરી હોય તેના વિડીયોગ્રાફીમાં જોતા એક શકમંદ મારી આગળ પાછળ ફરતો હોવાનું જણાઈ આવ્યું હતું. અમે સ્થળ પર હાજર હોમગાર્ડ જવાનને જાણ કરતા તેમણે ટોળામાં તપાસ કરી હતી. હોમગાર્ડ જવાનને જોતા તે ભાગ્યો હતો. હોમગાર્ડ જવાને પીછો કરીને તેને ઝડપી લેતા તેને એક મોબાઇલ રસ્તા પર ફેંકી દીધો હતો. ફેંકેલો ફોન ચેક કરતા તેના માલિક રાહુલ જ્ઞાનેશ્વર બાબુલ રહેવાસી તુલજાનગર ડભોઇ રોડ હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ પણ કૃત્રિમ તળાવ ખાતે વિસર્જન કરવા માટે આવ્યા હતા. પોલીસે પકડેલા આરોપીનું નામ પૂછતાં તેનું નામ અકબરઅલી સૈયદઅલી સૈયદ રહેવાસી બાવામeનપુરાનો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.