- પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી વિશાલ પ્રવિણચંદ્ર પટેલની અટકાયત કરી
વડોદરા શહેરના બીલ કેનાલ રોડ ખાતે રહેતા મહિલાની પુત્રી લંડનમાં રહેતી હોવાથી પુત્રને લંડન મોકલવા માટે પાડોસમાં રહેતા વ્યક્તિ થકી તેમના મિત્ર વિઝાની કામગીરી કરતા હોવાથી તેમની સાથે નક્કી થયા મુજબ 22 લાખની રકમ સામે મહિલાએ રોકડેથી તથા ઓનલાઇન કુલ 15.19 લાખ આપ્યા છતાં વર્ક વિઝા નહીં આપી છેતરપિંડી આચરી હતી અને ફોન નહીં ઉપાડતા આરોપીને ગોત્રી પોલીસે ફરિયાદના આધારે ઝડપી પાડ્યો છે.
વડોદરા શહેરના બીલ કેનાલ રોડ પર હેતલબેન હરમાનભાઇ પટેલ પોતાના દીકરા સાથે રહે છે અને ઘરકામ કરે છે. હેતલબેનના લગ્ન વર્ષ-2000માં પાદરા ખાતે રહેતા ચિરાગ મુકુંદભાઈ પટેલ સાથે થયા હતા. દાંપત્યજીવન દરમિયાન તેમને એક દીકરી અને દીકરો છે. હેતલબેનના વર્ષ 2005માં છૂટાછેડા થયા હતા. દીકરી વૈષ્ણવી લંડનમાં અભ્યાસ કરતી હોય હેતલબેન દીકરા દિવ્ય સાથે લંડન જવા માંગતા હોય તેમણે પડોશમાં રહેતા વિષ્ણુભાઇને વાત કરી હતી, જેથી વિષ્ણુભાઇએ પોતાના ગોત્રી -વાસણારોડ ખાતે આવેલા વૃંદાવન ટાઉનશિપમાં રહેતા મિત્ર વિશાલ પ્રવિણચંદ્ર પટેલનો સંપર્ક કરાવ્યો હતો. વિશાલ પટેલે હેતલબેનને લંડનના વર્ક વિઝા માટે સૌ પ્રથમ 26 લાખની માંગણી કરી હતી, પરંતુ હેતલબેને આનાકાની કરતા આખરે 22 લાખમાં વર્ક વિઝા કાઢી આપવાનું જણાવતા હેતલબેને સપ્ટેમ્બર-2023થી ગત જાન્યુઆરી-2024 દરમિયાન રોકડેથી તથા ઓનલાઇન ગુગલ પેના માધ્યમથી તબક્કાવાર કુલ 15,19,000 ચૂકવી આપ્યા હતા, જેની સામે કોઇ રસીદ આપી ન હતી. ત્યાર બાદ લંડનના વર્ક વિઝા માટે પૂછપરછ કરતાં વિશાલ પટેલ સરખો જવાબ આપતો ન હતો અને બાદમાં ફોન બંધ કરી દીધો હતો. આ રીતે છેતરપિંડી કરતા હેતલબેને ગોત્રી પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી વિશાલ પ્રવિણચંદ્ર પટેલની અટકાયત કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.