- આરોપી જીગ્નેશ તુકડીયા પોલીસ ધરપકડ ટાળવા 6 મહિનાથી નાસતો ફરતો હતો
શેર બજારમાં ટ્રેડીંગ કરવાનું જણાવી શેર ટ્રેડીંગની બનાવટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી 94 લાખથી વધુ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરવાના ગુનામાં સંડોવાયેલો અને 6 મહિનાથી નાસતા ફરતા આરોપીની વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરા શહેરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ગુનાનો આરોપી જીગ્નેશ ભીમજીભાઇ તુકડીયા (રહે. શંકરબાગ સોસાયટી, તરસાલી, વડોદરા) પોલીસ ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટેક્નિકલ-હ્યુમન સોર્સ આધારે માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસેથી નાસતા ફરતા આરોપી જીગ્નેશ તુકડિયાને શોધી કાઢ્યો હતો. આ ઇસમની પ્રાથમીક પુછપરછ અને તપાસ દરમ્યાન આ શખસ વડોદરા શહેરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા નાસતો ફરતો હોવાનું જણાતા આરોપીને વધુ તપાસ માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
હાલ પકડાયેલ આરોપી જીગ્નેશ ભીમજીભાઇ તુકડીયા (ઉ.વ.26) (રહે.શંકરબાગ સોસા.તરસાલી વડોદરા હાલ રહે. ચન્દ્રલોક સોસાયટી, માંજલપુર વડોદરા) એકબીજાની મદદગારીમાં પુર્વયોજિત કાવતરૂ રચી ફરીયાદીને વોટ્સએપ નંબરથી મેસેજ કરી શેર માર્કેટમા ટ્રેડીંગ કરવાનું જણાવતો હતો અને આરોપીના અલગ અલગ વોટ્સએપ ગ્રુપ C6-BLACKROCK STOCKS PULL UP मा तथा C3-ANGEL BROKING CUSTOMER CARE નામના ગ્રુપમાં એડ કર્યા હતા અને એંજલ સિક્યોરિટી કસ્ટમર સર્વિસમાંથી હોવાનું જણાવી એન્જલ વન કંપનીના કપટપૂર્વક ખોટા દસ્તાવેજ સાચા તરીકે ઉપયોગ કર્યો અને વોટસએપ પર મોકલી શેર માર્કેટીગમાં કેવી રીતે ટ્રેડીગ કરવાનું તે બાબતે સમજાવી ફરીયાદીને એક લીંક મોકલી એંજલ બ્રોકીંગ નામની શેર ટ્રેડીગની પ્રખ્યાત કંપનીની ખોટી ઓળખ ઉભી કરી હતી.
તે કંપની જેવી જ બનાવટી Angelbg નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી હતી અને ફરીયાદીને વિશ્વાસમાં લઈ અલગ અલગ એકાઉન્ટમાં ઓનલાઈન માધ્યમથી ફરીયાદીના કુલ બે બેંક એકાઉટમાંથી કુલ 94,18,000 ટ્રાન્સફર કરાવડાવી પોર્ટફોલિયોમાં દેખાતા પ્રોફિટને વિડ્રો કરવાં જતા નાણા વિડ્રો થયા નહોતા અને ફરીયાદીને રૂપીયા પરત નહી કરી ફરીયાદી સાથે આરોપીઓએ ઇલેક્ટ્રોનીક માધ્યમથી ઓનલાઈન છેતરપિંડી કરી હતી. આ ગુનાની તપાસ દરમ્યાન આરોપી જીગ્નેશ તુકડીયાની સંડોવણી જણાઈ હતી અને આરોપી ધરપકડ ટાળવા ફરાર થઇ જઇ છેલ્લા 6 માસથી નાસતો ફરતો હતો અને આરોપી જીગ્નેશ તુકડીયાને હાલમાં કાઇમ બ્રાન્ચ દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે.