શહેર નજીક આવેલા હાઇવે પર વાઘોડિયા ચોકડીથી કપુરાઇ ચોકડી વચ્ચે આવેલી હોટલની એક રૂમમાં રોકાયેલા યુગલ પૈકી પુરૂષનું મોત થયું હતું.જે અંગે પાણીગેટ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ડભોઇ રોડ સોમા તળાવ નજીક જલારામ નગરમાં રહેતા પ્રવિણભાઇ ચીમનભાઇ સુતરીયા વાઘોડિયા રોડ પિપળિયા ગામ પાસે આવેલી એક કોલેજમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. ગઇકાલે બપોરે ચાર વાગ્યે તેઓ એક યુવતી સાથે હાઇવે કપુરાઇ ચોકડીથી વાઘોડિયા ચોકડી વચ્ચે આવેલી બહુરાની હોટલના ચોથા માળે એક રૂમમાં યુવતી સાથે ગયા હતા. દરમિયાન તેઓ અચાનક જ ઢળી પડયા હતા. જે અંગે યુવતીએ પ્રવિણભાઇના પરિવારને તથા હોટલના સ્ટાફને જાણ કરી હતી. તેમજ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. પ્રવિણભાઇને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. પરંતુ, ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું.
બનાવ અંગે પાણીગેટ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે પ્રવિણભાઇ સાથે રૂમમાં ગયેલી યુવતીની તપાસ હાથ ધરી છે. યુવતીની પૂછપરછ દરમિયાન વધુ વિગતો પ્રકાશમાં આવશે. પ્રવિણભાઇ પરિણીત હતા અને તેમને સંતાનમાં બે દીકરીઓ છે. કયા કારણોસર તેઓ હોટલમાં ગયા હતા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રવિણભાઇના પરિવારજનોએ હત્યાનો આક્ષેપ કર્યો હતો. પરંતુ, પોલીસે જણાવ્યું છે કે, ડોક્ટરના પ્રાથમિક અભિપ્રાય મુજબ, હાર્ટ એટેકના કારણે મોત થયું છે. જો કે, સચોટ કારણ જાણવા માટે વિશેરા એફ.એસ.એલ.માં મોકલી અપાયા છે.