- બેંક મેનેજર બોલું છું કહી ફોન કાપ્યો, ફરી અજાણ્યો કોલ આવ્યો એપ ડાઉનલોડ કરાવી, ફોનમાં આવેલો ઓટીપી આપતાં જ લાખો રૂપિયા ઉપાડી લીધા
વડોદરા શહેરમાં હાઉસવાઈફ તરીકે કામ કરતી મહિલાને બેંક સ્ટેટમેન્ટની જરૂર હોઈ ગૂગલમાંથી બેંકના ટોલ ફ્રી નંબર પર કોલ કર્યો હતો. જોકે સામેથી બેંક મેનેજરની ઓળખ આપી ફોન કાપી નાખ્યો હતો. થોડીવારમાં જ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો, જેમાં પણ સામેવાળી વ્યક્તિએ બેંક મેનેજર તરીકે ઓળખ આપી એક એપ ડાઉનલોડ કરાવી ઓટીપી માગ્યો હતો, આથી મહિલાએ ઓટીપી આપી દેતાં તેના ખાતામાંથી 2.92 લાખ રૂપિયા છૂમંતર થઈ ગયા હતા. આ અંગે મહિલાએ વડોદરા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા એક કોમ્પ્લેક્સમાં રહેતી અને હાઉસવાઈફ તરીકે કામ કરતી મહિલા ઠગાઈનો ભોગ બની છે. આ અંગે મહિલાએ સાયબર ક્રાઈમમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, હું એક હાઉસવાઈફ છું અને મારાં ત્રણ બેન્ક એકાઉન્ટ છે. ગત તા.18/05/2024ના રોજ હું મારા ઘરે હાજર હતી ત્યારે મારે મારી ઇન્ડસઇન્ડ બેંકનું બેંક સ્ટેટમેન્ટ જોઈતું હતું, જેથી મેં મારા મોબાઈલમાં ગૂગલ સર્ચમાં જઈને ઇન્ડસઇન્ડ બેંકનો નંબર સર્ચ કર્યો હતો, જેમા મને એક ટોલ ફ્રી નંબર મળ્યો હતો અને મેં કોલ કર્યો હતો. આ કોલ પર કોઈ અજાણી વ્યક્તિએ ફોન ઉપાડયો હતો.
જેમાં તેમણે પોતાની ઓળખ ઇન્ડસઇન્ડ બેંક મેનેજરની ઓળખ આપી હતી. ત્યાર બાદ મેં તેમને જણાવ્યું કે મારે ઇન્ડસઇન્ડ બેંકનું બેંક સ્ટેટમેન્ટ જોઈએ છે અથવા તમે મને ક્લોસિંગ બેલેન્સ જણાવી આપો. ત્યાર બાદ તેમણે ફોન મૂકી દીધો હતો અને થોડા સમય બાદ મારા નંબર પર અજાણ્યા કોલ પરથી ફોન આવ્યો હતો, જે ફોન મેં ઉપાડયો હતો અને તેમણે મને જણાવ્યું કે હું ઇન્ડસઇન્ડ બેંકમાંથી બેંક મેનેજર વાત કરું છું. મેં તેમને જણાવ્યું કે મારે ઇન્ડસઇન્ડ બેંકનું બેંક સ્ટેટમેન્ટ જોઈએ છે, જેથી તેમણે મારા પાસે ઇન્ડસઇન્ડ બેંકના ડેબિટ કાર્ડના પાછળના સીવીવી નંબર માગતાં મેં આપ્યા હતા.
તમને એક એકાઉન્ટ બનાવી આપીશ તેએ કહ્યું ત્યાર બાદ તેમણે મને જણાવ્યું કે તમને એક એકાઉન્ટ બનાવી આપીશ, જેમા તમને તમારી દરેક બેંકના એકાઉન્ટનું સ્ટેટમેન્ટ જોવા મળશે. ત્યાર બાદ તેમણેએ મને જણાવ્યું કે તમે પ્લે સ્ટોરમાં જઈને મને એક એપ ડાઉનલોડ કરવા કહ્યું હતું. જે ZOHO ASSIST CUSTOMER નામની એપ હતી. જે એપ મેં ડાઉનલોડ કરી હતી. ત્યાર બાદ તેમમે મને જણાવ્યું, કે એક ઓટીપી આવશે એ આપો, જેથી મારા ફોનમાં આવેલા ઓટીપી મેં તેમને આપ્યો હતો. આ ટ્રાન્ઝેક્શન દરમિયાન ઠગબાજે રૂપિયા 2,92,000 ઉપાડી લઈ મહિલા સાથે છેતરપિંડી આચરી હતી. આ અંગે મેં વડોદરા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.