કરજણ નેશનલ હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત થતાં કેબિનનો કચ્ચરઘાણ,ફસાયેલા ડ્રાઇવરનું રેસ્ક્યૂ કરાયું

લાકોદરા ટોલનાકા પાસે આગળ જતી ટ્રક પાછળ બીજી ટ્રક ઘૂસી જતાં અકસ્માત સર્જાયો

MailVadodara.com - Accident-between-two-trucks-on-Karajan-National-Highway-cabin-wrecked-stranded-driver-rescued

- કરજણ ફાયર બ્રિગેડે એક કલાકની ભારે જહેમત બાદ ચાલકને ગંભીર હાલતમાં બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ દ્વારા વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયો


વડોદરા નજીક કરજણ નેશનલ હાઇવે નંબર-48 ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ટ્રકના કેબિનનો કચ્ચરઘાણ વળી જતા ચાલક ફસાઇ ગયો હતો. આ બનાવની જાણ કરજણ ફાયર બ્રિગેડે એક કલાકની ભારે જહેમત બાદ ચાલકને ગંભીર હાલતમાં બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ દ્વારા વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.

મળેલી માહિતી પ્રમાણે વડોદરા-કરજણ નેશનલ હાઇવે નંબર-48 ઉપર કરજણ લાકોદરા ટોલનાકા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. લાકોદરા ટોલનાકા આવતા આગળ જતી ટ્રકના ચાલકે પોતાની ટ્રક ધીમી પાડી હતી. આ સમયે પાછળ પૂરપાટ આવી રહેલી ટ્રક ધડાકા સાથે આગળ જતી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. જેમાં પાછળથી ઘૂસેલી ટ્રકના કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. ટ્રકના કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવા માટે પ્રાથમિક પ્રયાસો કર્યા હતા. પરંતુ, અકસ્માતમાં ફસાયેલા ડ્રાઇવરને ટ્રકના કેબિનમાંથી કાઢવો મુશ્કેલ હતો.

આ દરમિયાન બનાવની જાણ કરજણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમે ટ્રકના કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવાનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પહેલાં પ્રથમ હાઇડ્રોલિક કટર મશીનથી કેબિનનો નડતરરૂપ ભાગ દૂર કર્યો હતો. કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવાનો રસ્તો કર્યો હતો. પરંતુ ખરાબ રીતે ફસાય ગયેલા ટ્રકચાલકને બહાર કાઢવું મુશ્કેલ હતું.


આ અકસ્માતના કારણે ટ્રકનું કેબિન અંદરની સાઇડ જતુ રહ્યું હોવાથી ફાયરબ્રિગેડના લાશ્કરોએ લોખંડની ચેઇનને દોરડાથી કેબિન સાથે બાંધ્યું હતું. દોરડાનો બીજો છેડો બંબાના પાછળના ભાગે બાંધી કેબિનને ખેંચી બહારની સાઇડમાં લીધું હતું. બાદમાં કેબિનમાં જગ્યા થતાં કેબિનની સીટમાં ખરાબ રીતે ફસાય ગયેલા ડ્રાઇવરને સહી સલામત બહાર કાઢ્યો હતો. ત્યારબાદ સ્થળ પર આવી પહોંચેલી 108 એમ્બ્યુલન્સમાં વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવની જાણ કરજણ પોલીસને થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને ટ્રાફિકને ડાયવર્ટ કર્યો હતો.


કરજણ ભરથાણા ટોલનાકાથી 100 મીટર પહેલાં રાત્રે 1.30 વાગ્યાના સુમારે બનેલા આ બનાવને પગલે હાઇવે ઉપર ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો. જો કે, કરજણ પોલીસ અને હાઇવે ટ્રાફિક પોલીસ તેમજ ટોલનાકાની સિક્યુરિટી દ્વારા ટ્રાફિક વધુ જામ થઈ જાય તે પહેલાં સુચારું આયોજન કરી વધુ ટ્રાફિકજામ થવા દીધો ન હતો. મોડી રાત્રે બનેલા આ બનાવે ચકચાર જગાવી મૂકી હતી.

બીજીબાજુ કરજણ પોલીસે બે ટ્રક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતના બનાવ અંગે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ટ્રક ચાલકને ગંભીર ઇજા પહોંચી હોવાથી અને તે બેભાન અવસ્થામાં હોવાથી નામ જાણી શકાયું ન હતું. પરંતુ ટ્રક રાજસ્થાનની હોય ટ્રકચાલક રાજસ્થાનનો હોવાનું મનાય છે. બેભાન ટ્રક ચાલકનું નામ મેળવ્યા બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Share :

Leave a Comments