- ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી ફરી વળ્યું
વડોદરા શહેર જિલ્લામાં અવાર નવાર અકસ્માતના બનાવો સામે આવતાં હોય છે, ત્યારે આજે વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં વડોદરા શહેરના પથ્થર ગેટ પાસે આવેલી મોટી ખારવા વાળમાં રહેતા 35 વર્ષીય રાહુલભાઈ પ્રકાશભાઈ ખારવા પદમલા બ્રિજ પર ફોરવ્હીલર લઈને પસાર થતા હતા, તે દરમિયાન એકાએક પિકઅપ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો અને તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
ગંભીર ઇજાગ્રસ્ત હોવાના કારણે તેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી ફરી વળ્યું હતું. યુવકના મૃતદેહને હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડવામા આવ્યો છે, જ્યાં તેઓનું પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.
યુવકના મોતના સમાચાર મળતાની સાથે જ પરિવારજનો અને સ્વજનો સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ આગળ આવી પહોંચ્યા હતા. આ બનાવ અંગે છાણી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને અકસ્માત કરનાર પિકઅપ ચાલકની શોધખોળ હાથ ધરી છે.