- બાઇકચાલક પર ટ્રકનું ટાયર ફરી વળતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું
વડોદરાના રણોલી પાસે બાઇક લઇ જઇ રહેલ દંપતી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇકચાલક પર ટ્રકનું ટાયર ફરી વળતા પતિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે પત્નીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટના અંગે જવાહરનગર પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
વડોદરા પાસે આવેલ રણોલી પાસેથી હજારોની સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે. અહીં મોટી-મોટી કંપનીઓ આવેલ હોવાથી આ રોડ પરથી મોટી સંખ્યામાં ટેન્કરો અને ભારદારી વાહનો પસાર થતા હોય છે. ત્યારે રણોલી પાસે જાણે સ્ટોપેજ બનાવ્યું હોય તેમ ભારે વાહનો અને ટેન્કરો અડિંગો જમાવી બેઠા હોવાથી પારાવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. આજે બાઇક પર દંપતી પસાર થઈ રહ્યું હતું ત્યારે એક તરફ ટેન્કર ઉભી હતી અને અન્ય તરફથી ટ્રક પસાર થઈ રહી હતી. તે દરમિયાન દંપતી પસાર થઇ રહ્યું હતું તે વેળા અકસ્માત સર્જાતાં પતિ પર ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું.
મળતી વિગતો અનુસાર સવારે સોખડા ગામના રહેવાસી રાકેશભાઇ ચંદ્રકાન્તભાઇ પટેલ અને તેઓની પત્ની બાઇક પર પસાર થઇ રહ્યા હતા એવામાં એક ટ્રકે દંપતિની બાઇકને ટક્કર મારતા રાકેશભાઇ કચડાયા હતા. ગંભીર અકસ્માતને પગલે રાકેશભાઈનું માથુ તથા ઘડ ટ્રક નીચે આવી જતા ચદગાઇ ગયું હતું અને તેઓનું ઘટના સાથે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્ત પત્નીને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે જવાહરનગર પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
રણોલી વિસ્તારમાં ભારદારી વાહનો રોજબરોજ મોટી સંખ્યામાં પસાર થાય છે અને વારંવાર અહીં અકસ્માત સર્જતાં હોય છે. અહીં આવેલી કંપનીઓના કારણે અહીં ભારે વાહનો અને ટેન્કરો વધુ જોવા મળતી હોય છે. આ અકસ્માતની ઘટનાઓ રોકવા માટે તંત્રએ ખાસ કરી ટ્રક અને ટેન્કર ચાલકો માટે કાયમી પાર્કિંગ અને યોગ્ય ડિવાઈડર અને સલામતી જળવાય તે માટે યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ જેથી અન્ય અકસ્માત અટકાવી શકાય. આ અકસ્માતને પગલે સ્થાનિકો પણ યોગ્ય વ્યવસ્થા થાય તેવી આશા રાખી રહ્યા છે.