- બંને કાર ડિવાઇડર સાથે ભટકાતા પલટી મારી ગઇ હતી
વડોદરાના આમોદર ગામ પાસે પોલો અને સ્ક્વોડ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સ્ક્વોડ કારની ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જાયો હતો. તેમાં બંને કાર ડિવાઇડર સાથે ભટકાતા પલટી મારી ગઇ હતી. જેમાં પોલો કાર ચાલકનું મોત નિપજ્યું હતું. સ્ક્વોડ કારમાં 5 લોકોને ઇજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર વાઘોડિયા તાલુકાના લીમડા ગામે પારૂલ યુનિવર્સિટીમાં ફિલ્મ પ્રોડકશનમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો અને હોસ્ટલમાં રહેતો વિદ્યાર્થી પ્રિન્સ મુસ્તાકભાઈ નાથાણી અશોકભાઈ ઉફ્રે ઉસ્તાદ રામસ્વરૂપ પરીયા ઠાકોરની પોલો ફોર વ્હીલ કારમાં મિત્રો સાથે પીપળીયા ગામે સાઈ નારાયણ ફુટકોટમાંથી વડોદરા શહેરમાં વૃંદાવન ચાર રસ્તા પાસે હનુમાનજી મંદીરે દર્શન કરવા જવા માટે નીકળ્યા હતા.
આ દરમિયાન વાઘોડીયાથી વડોદરા રોડ ઉપર આમોદર ગામ પાસે આવેલા પ્રાઈમ પ્લાઝા રેસીડેન્સીની સામેથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે પોલો ફોર વ્હીલ ગાડીના ચાલક અશોકભાઇ ઉર્ફ ઉસ્તાદ રામસ્વરૂપ પરીયા ઠાકોરએ તેમની કારની આગળ જઈ રહેલી સ્ક્વોડ કારને ઓવરટેક કરવા જતા ગાડીના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો.
પોલો કારના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર રોડની વચ્ચે ડિવાઈડર સાથે અથડાઈ હતી અને રોડની રોંગ સાઈડમાં વડોદરાથી વાઘોડિયા તરફ પલટી મારી ગઇ હતી. જેમાં કાર ચાલક અશોક ઉર્ફે ઉસ્તાદ રામસ્વરૂપ પરીયા ઠાકોરને (રહે. રણછોડનગર-2, મૂળ રહે. કરગેહના, ઉત્તરપ્રદેશ) માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે તેની કારમાં સવાર પ્રિન્સ નાથાણી સહિત કોઇને ઇજા થઇ ન હતી. જોકે, તેઓ કાર પલટી મારી જતા નીચે દબાઈ ગયા હતા. જેઓને આ ઘટના બનતા દોડી આવેલા લોકોએ સહી સલામત બહાર કાઢી લીધા હતા.
તો બીજી બાજુ પોલો કારની ટક્કર વાગતા સ્ક્વોડ કાર પણ પલટી ખાઇ ગઇ હતી. જેમાં કારમાં સવાર કારમાં સવાર રચિત કેતનભાઇ શાહ, નિશી કેતનભાઈ શાહ, તનિષ્કાબેન રાજેશભાઈ કટારીયા, ગીતીકાબેન જીતેન્દ્રભાઈ શર્મા અને અનુષ્કાબેન ગૌતમભાઈ સાથે અન્ય લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. આ તમામ અકસ્માત થતાં કાર નીચે દબાઇ ગયા હતા. જેઓને આ ઘટના બનતા દોડી આવેલા લોકોએ બહાર કાઢ્યા હતા. અને 108 એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલ રવાના કર્યા હતા. આ ઘટનામાં બંને કારને મોટું નુકશાન થયું હતું.
વાઘોડિયા તાલુકાના આમોદર ગામ પાસે બનેલી આ ઘટના અંગે પોલો કારમાં સવાર અને પારૂલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પ્રિન્સે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.