- બે માસના બાળકને સાસુ તથા પતિ બળજબરી છીનવી ગયા હતા
- અભયમે સાસરિયા પક્ષને સમજાવતા ભૂલ સ્વીકારી લેખિતમાં સમાધાન કરાવ્યું
વડોદરાનાં ડભોઇ તાલુકાના નજીકના ગામના એક પીડિત બહેને મદદ માગતા જણાવ્યું હતું કે, તે ડિલિવરી ઉપર તેના પિયરમાં ગયા હતા અને હાલ તેનું બાળક બે મહિનાનું છે. તેના સાસુ અને પતિ બળજબરીથી ત્યાંથી બાળકને છિનવીને લઈ જતા આખરે અભયમની મદદ લેવામાં આવી હતી.
આ કોલ મળતાની સાથે જ 181 અભયમ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચતા પીડિત બહેનને મળ્યા હતા. તેણે જણાવ્યું હતું કે, તેના લગ્નના બે વર્ષ થયા છે અને તેઓએ પ્રેમલગ્ન કર્યાં હતાં અને લગ્ન કર્યા બાદ તેઓ તેના પિયરમાં જ રહેતા હતા અને છેલ્લા બે મહિનાથી બહેનને ડિલિવરી થયેલી હતી. જેમાં દીકરાનો જન્મ થયો છે અને હવે સાસરિયા પક્ષના પીડિત મહિલાને તેડવા માટે પિયરમાં ગયા હતા. પણ પીડિત બહેન બાળક થોડું સમજણું થાય પછી સાસરિયામાં જવા માગતા હોવાથી તેઓને હાલ તેની સાસરીમાં જવું નહોતું. ત્યારે બળજબરીથી લઈ જવા માગતા સાસરી પક્ષના લોકો સાથે પીડિતા ગયા નહોતા. ત્યારબાદ બળજબરીથી બે મહિનાનું બાળક તેના સાસુ તથા પતિ છિનવીને જતા રહ્યા હતા. આથી ટીમ પીડિત મહિલાના સાસરિયામાં જઈને પીડિત મહિલાના પતિને તથા સાસુને સમજાવેલ કે, આ રીતે નવજાત શિશુને તમે એની માતાથી દૂર ન કરી શકો. એને હાલ તેની માતાનો હક અને માના દૂધની ખૂબ જ જરૂર હોય છે.
જો તમે આ રીતે બાળકને તેની માતા સિવાયનું દૂધ આપશો તો બાળકની રોગપ્રતિકારક શક્તિ પણ ઘટી જશે અને તે ભવિષ્યમાં કોઈપણ બીમારીઓનો સામનો કરી શકશે નહીં. એને હાલ તેને માતાનું ધાવણ ખૂબ જરૂરી છે તો તમે એની માતાથી છૂટું ના કરશો અને શાંતિથી તમે સમાધાન કરો અને તમારી પુત્રવધૂને તમારા ઘરે શાંતિથી તમારા રીત રિવાજ પ્રમાણે ઘરે લઈ આવો. આ રીતે બહેનના સાસરિયા પક્ષને સમજાવતા તેઓએ તેમની ભૂલ સ્વીકારી અને લખાણ આપતા સમાધાન કરાવ્યું હતું.