પાદરાના મોભા ગામે ઇંટોના ભઠ્ઠામાં ગુલામ તરીકે કામ કરાવતા મજૂર પરિવારને અભયમે મુક્ત કરાવ્યું

૩ વર્ષથી શેઠની ગુલામીથી ત્રસ્ત પરિવારને અભયમની ટીમની મદદ લીધી

MailVadodara.com - Abhayam-freed-a-family-of-laborers-working-as-slaves-in-a-brick-kiln-in-Mobha-village-of-Padra

- અભયમ ટીમે શેઠને કાયદાકીય માહિતી આપતા મજૂરી કામના બાકી પડતાં નાણાં આપી પરિવારને મુક્ત કરતા પોતાના વતન રવાના થયું

વડોદરાના પાદરા તાલુકાના મોભા ગામની સીમમાં ઇટોના ભઠ્ઠા ઉપર મહેનતકશ પરિવાર રહેતું હતું અને મજૂરીકામ કરી ગુજરાન ચલાવતુ હતું. પરિવારને પોતાના વતન જવું હતું પરંતુ, તેઓનો શેઠ જવા દેતો ન હતો અને ગુલામ તરીકે રાખતો હતો. શેઠની ગુલામીથી ત્રસ્ત પરિવારને અભયમ ટીમે મુક્ત કરાવી તેઓના વતન રવાના કર્યા હતા.

આ બનાવની વિગત એવી છે કે, પાદરા તાલુકાના મોભા ગામની સીમમાં ઇટોનો ભઠ્ઠો છે. આ ભઠ્ઠા ઉપર ઉત્તર પ્રદેશનું દંપતિ અને તેમના ચાર સંતાનો સાથેનું પરિવાર ઇટો પાડવાના કામ સહિત મજૂરી કામ કરતું હતું. આ પરિવારને તેઓનો શેઠ હેરાનગતિ કરી રહ્યો હતો અને પરિવારને તેઓના વતન પણ જવા દેતો ન હતો. આથી, મહેનતકશ પરિવારની મહિલાએ અભયમને ફોન કરી મદદ માગતા જણાવ્યું હતું કે, અમોને અમારા શેઠની ગુલામીમાંથી મુકત કરાવો.

શેઠની ગુલામીમાં દિવસો પસાર કરી રહેલા પરિવારની મહિલાનો ફોન આવતા જ પાદરા અભયમ ટીમ મોભા ગામની સીમમાં આવેલા ઇટોના ભઠ્ઠા ઉપર પહોંચી ગઇ હતી અને પરિવારને મળી વધુ વિગતો મેળવી હતી. પરિવારે અભયમ ટીમને જણાવ્યું કે, હાલ ઇટો પાડવાનું કામ બંધ છે. સીઝન પૂરી થઇ ગઇ છે છતાં, શેઠ અમારી મહેનત મજૂરીના નાણા ચૂકવતા નથી. અને અમોને છેલ્લા 3 વર્ષથી ગુલામ તરીકે રાખી રહ્યા છે. અમારે વતન જવું છે. પરંતુ જવા દેતા નથી.

અભયમ ટીમે પીડિત પરિવારની વિગતો મેળવ્યા બાદ તેઓના શેઠને મળી હતી અને જણાવ્યું કે, પરિવારને ગુલામ તરીકે રાખવું કાયદાકીય ગુનો છે. જો તમે પરિવારને મુક્ત નહીં કરો તો તમારા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે. જોકે, અભયમ ટીમે શેઠને આપેલી કાયદાકીય માહિતી બાદ તેઓએ પરિવારના મજૂરી કામના બાકી પડતાં નાણાં આપી દીધાં હતા અને તેઓને ભઠ્ઠામાંથી મુક્ત કર્યા હતા. ભઠ્ઠામાંથી મુક્ત થયેલ પરિવાર પોતાના વતન રવાના થયું હતું. આમ ત્રણ વર્ષથી ગુલામ તરીકે રહેતા પરિવારને અભયમ ટીમે મુક્ત કરાવ્યું હતું.

Share :

Leave a Comments