- ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
- ફાયર બ્રિગેડે તત્કાલ ઘટના સ્થળે પહોંચી આગ કાબુમાં લીધી, એસીપી અને ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો
શહેરના ઓલ્ડ પાદરા રોડ વિસ્તારમાં આવેલી ઇન્સ્યોરન્સ ઓફિસમાં એસીમાં બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઇ હતી. જેમાં છ લોકોને ઈજા થઈ છે. બનાવને પગલે ફાયર બ્રિગેડ તત્કાલ આવી જતાં આગ કાબુમાં લેવામાં આવી હતી. જ્યારે ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બ્લાસ્ટ અંગે માહિતી મળતાં જ એસીપી અને ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
વડોદરા વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પર મલ્હાર પોઇન્ટ પાસે આવેલી નવી કલેક્ટર કચેરી પાસે શ્રીરામ જનરલ ઇન્સ્યોરન્સ નામની કંપનીની ઓફિસમાં આજે સવારે 11 વાગ્યાની આસપાસ એરકંડિશનરમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી જેને પગલે અફરાતફરી મચી ગઈ હતી. આ બ્લાસ્ટને કારણે 6 લોકોને ઈજા પહોંચી હતી. ત્યાર બાદ તેમને સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી છે. આ 6 લોકોમાંથી બેની હાલત ગંભીર છે. હાલ બન્ને ઇજાગ્રસ્ત આઇસીયુમાં સારવાર હેઠળ છે. ઇજાગ્રસ્તોમાં વિકાસ સોલંકી, ગૌતમ સોલંકી, વિપુલ ચૌહાણ, અંચિત પરીખ, ઉશલ દેસાઇ અને પુનીતા અંતાણીનો સમાવેશ થાય છે. બ્લાસ્ટને પગલે ઓફિસમાં રહેલા સોફા, ટ્યૂબલાઈટ અને પંખામાં નુકસાન થયું હતું. એસીમાં બ્લાસ્ટ થવાને કારણે ઓફિસમાં રહેલા કાચના ફૂરચા ઊડી ગયા હતા. આ ઉપરાંત અન્ય વસ્તુઓ પણ વેરવિખેર થઈ ગઈ હતી. બ્લાસ્ટ અંગે માહિતી મળતાં જ ફાયર ઓફિસર તેમજ એસીપી અને ડીસીપી સહિતનો પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
ફાયર ઓફિસર ફાયર ઓફિસર અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે, ત્રીજા માળે આગ લાગી છે. ઇન્સ્યોરન્સની આ ઓફિસ 25 બાય 25 ફૂટની છે. ઓફિસમાં 6 જેટલા કર્મચારી કામ કરી રહ્યા હતા, હવે સ્થળ તપાસ કરી છે અને પોલીસ પણ સ્થળ પર હાજર છે. આ તપાસનો વિષય છે. શું ઘટના ઘટી છે અને કેવી રીતે આ બ્લાસ્ટ થયો છે? અમે પણ તપાસ કરી છે. પ્રાથમિક રીતે એસીનું વાયરિંગ પીગળેલું દેખાઈ રહ્યું છે. તમામ ઇજાગ્રસ્તોને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તેમને પણ મળવા જાઉં છું એટલે વાસ્તવિક સ્થિતિ ત્યાંથી જાણવા મળશે. આખો રિપોર્ટ છે એ પોલીસ વિભાગ જ રજૂ કરશે.
આ મામલે અકોટા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ આર. એન.પટેલે જણાવ્યું હતું કે, હાલમાં સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. આ દુર્ઘટનામાં ઇજા પામેલા તમામ 6 ઇજાગ્રસ્તોને નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, જેમાંથી બેની સ્થિતિ ગંભીર છે. હાલમાં આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, શ્રીરામ જનરલ ઇન્સ્યોરન્સની ઓફિસમાં 6 કરતાં વધારે લોકો કામ કરે છે. જોકે વરસાદના કારણે કેટલાક કર્મચારીઓ મોડા પડતાં આ દુર્ઘટનામાં સપડાતા બચી ગયા હતા. કંપનીમાં ફાયર એકસ્ટિગ્વિશર પણ ઇન્સ્ટોલ કરેલું હતું.