- FRC તેમજ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા અનેક વખત નોટિસ આપવા છતાં શાળા તંત્ર આના પર ધ્યાન આપતું નથી
- સરકારમાં પણ શાળાની માન્યતા રદ થાય તેની કાર્યવાહી ચાલુ
વિબગ્યોર સ્કૂલ ફી વધારા મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે રજૂઆત કરી સ્કૂલની માન્યતા રદ કરવામાં આવે તેવી માગ કરી હતી. તેઓની માગ છે કે આ સ્કૂલ FRCના નિયમોને નેવે મૂકી વાલીઓ પાસેથી વધુ ફી વસૂલ કરે છે. ત્યારે આજે DEOને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી વિબગ્યોર સ્કૂલ દ્વારા FRCના નિયમોનું ઉલ્લંઘન કરી વધારે ફી લેવામાં આવી રહી છે જે ખૂબ જ અયોગ્ય છે. FRC તેમજ જિલ્લા શિક્ષણાઅધિકારી દ્વારા અનેક વખત નોટિસ આપવા છતાં શાળા તંત્ર આના પર ધ્યાન આપતું નથી. વાલીઓ દ્વારા અનેકવાર રજૂઆત થતા પણ તંત્ર કે પછી જિલ્લા શિક્ષણાઅધિકારી કચેરી આના પર કોઇ પણ તટસ્થ કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપો સાથે આજે કચેરી ખાતે આવેદનપત્ર આપી સ્કૂલની માન્યતા રદ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. જો આ સ્કૂલની માન્યતા આગામી ત્રણ દિવસોમાં રદ નહીં કરવામાં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આના માટે ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
વિબગ્યોર સ્કૂલની મનમાની સામે વડોદરા જિલ્લા શિક્ષણાઅધિકારી દ્વારા સ્કૂલ સામે FRC નિયમોના ઉલ્લંઘન બદલ રૂપિયા ત્રીસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ અંગે જિલ્લા શિક્ષણાઅધિકારી મહેશ પાંડેએ જણાવ્યું હતું કે, જેવી રીતે વાલીઓની રજૂઆત હતી તેવી જ રીતે આજે ABVP વડોદરા દ્વારા રજૂઆત કરવામાં આવી છે. વિબગ્યોર સ્કૂલનો જે પ્રશ્ન છે તે બાબતે 100 જેટલા વાલીઓના પણ નિવેદન લેવામાં આવ્યા છે અને આ નિવેદનો આપણે જીપીને આપીશું. જેથી આપણો કેસ મજબૂત બને અને શાળા સામે દંડનીય ઉપરાંત જે કાર્યવાહી કરવાની છે તે આપણે કરી છે. આ ઉપરાંત સરકારમાં પણ શાળાની માન્યતા રદ થાય તે માટેની કાર્યવાહી ચાલી રહી છે અને આ મામલો હાલમાં કોર્ટમાં છે તેથી આપણે રાહ જોવી પડશે.