- વિદ્યાર્થીઓએ મમતા બેનર્જી સરકાર હાય હાય અને મમતા બેનર્જી મુર્દાબાદના નારા લગાવ્યા, ઘટનાની જાણ થતાં સયાજીગંજ પોલીસે 3 કાર્યકરોની અટકાયત કરી
- મુખ્ય રોડ પર પૂતળાનું દહન કરાતાં ટ્રાફિકજામના કારણે વાહન ચાલકો અટવાયા
શહેરની એમ.એસ. યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગ ખાતે ABVP દ્વારા પશ્ચિમ બંગાળમાં મહિલાઓ ઉપર થઇ રહેલા અત્યાચારોની સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ મમતા બેનર્જી સરકાર હાય હાય અને મમતા બેનર્જી મુર્દાબાદના નારાઓ લગાવ્યા હતા. ત્યાર બાદ મમતા બેનર્જીના પુતળાનું દહન કર્યું હતું. આ સમયે મેઇન રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સયાજીગંજ પોલીસ દોડી ગઇ હતી અને ABVPના 3 કાર્યકરોની અટકાયત કરી હતી. આ સમયે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.
મળતી વિગતો પ્રમાણે દેશભરમાં ચર્ચાનો વિષય બનેલા આ મામલામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા શાહજહાં શેખને છાવરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો સાથે વડોદરામાં એબીવીપીના કાર્યકરોએ એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસની બહાર સયાજીગંજ વિસ્તારના મુખ્ય રોડ પર મમતા બેનરજીના પૂતળાનું દહન કરીને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. જેના પગલે આ રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા અને ઘણા વાહન ચાલકો અટવાયા હતા. એ પછી પોલીસે સ્થળ પર પહોંચીને એબીવીપીના સંખ્યાબંધ કાર્યકરોને હટાવ્યા હતા અને તેમને વાહનોમાં બેસાડીને સયાજીગંજ પોલીસ મથકે લઈ જવાયા હતા.
ABVPના કાર્યકરોએ કહ્યું હતું કે, બહારથી લોકોની ઘુષણખોરી કરાવે છે તો આ પશ્ચિમ બંગાળનો વિકાસ કેવી રીતે કરશે. મહિલા હોવા છતાં અને નામ મમતા હોવા છતાં નિર્મમતા જેવું કાર્ય કરે છે અને મહિલા વિરોધ ગતિવિધિ થઇ રહી છે. આપણી મહિલાઓ સાથે દુષ્કર્મ થાય છે તે કેવી રીતે ચલાવી લેવામાં આવે.
એબીવીપીના ગુજરાત પ્રાંત સહમંત્રી નેહલ થાનકીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળનું પ્રતિનિધિ એક મહિલા કહી રહ્યા છે અને પશ્ચિમ બંગાળ તો મા દુર્ગાની શક્તિની આરાધનાનું સ્થાન છે. તેમ છતાં પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં મહિલાઓ પર ખૂબ અત્યાચારો થઇ રહ્યા છે, તે દેશ માટે ખૂબ જ શરમજનક વાત છે. મમતાજીએ આંખે પાટા બાંધી લીધા છે અને કંઇ જોતા નથી અને સાંભળતા નથી, તેવું વર્તન કરી રહ્યા છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મમતા બેનર્જી પોતે મહિલા હોવા છતાં સંદેશખાલીમાં મહિલાઓની સ્થિતિ ખરાબ છે, ત્યારે ABVP આ મહિલાઓના સન્માનમાં સમગ્ર દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. મહિલાઓ ઉપર અત્યાચાર કરનાર ગુનેગારો સામે કડકમાં કડક પગલા લેવામાં આવે તેવી અમારી માંગણી છે. અમે કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને પણ આવેદન પત્ર આપવામાં આવશે કે, મહિલાઓને ઝડપથી ન્યાય આપવામાં આવે. આ મહિલાઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે.
એમ.એસ.યુનિવર્સિટીમાં એબીવીપીના અધ્યક્ષ હિમાંશુ પાઠકે જણાવ્યું હતું કે, આજે અમે મમતા બેનર્જી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું છે. જ્યારે રાજ્યપાલ ગયા ત્યારે ખબર પડી કે, મહિલાઓ સાથે કુકર્મ થઇ રહ્યું છે. ટીએમસીના કાર્યકર્તાઓ બહેનોને કાર્યાલયમાં લઇ જાય છે અને તેમની સાથે દુષ્કર્મ આચરે છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મહિલાઓ પરના અત્યાચાર થઇ રહ્યો છે, તેની તપાસ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવે અને જે મહિલાઓ સાથે દુષ્કર્મ થયું છે, તેમના માટે એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવે. મહિલાઓના રક્ષણ માટે કેન્દ્ર સરકાર પણ ધ્યાન આપે. જેથી મમતા મહિલાઓ સામે જ અત્યાચાર કરે છે, તેને બંધ કરવામાં આવે તેવી અમારી માંગણી છે.