- મૃતકના ભાઈએ રડતા રડતા કહ્યું, `આંખો બંધ કરું તો ભાઈ જ દેખાય છે'
વડોદરાના આજવા રોડ પર શ્રીજી પાર્ટી પ્લોટમાં ભાજપના બેનર્સ લગાવી રહેલા એક યુવાનનું મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. મૃતકના નાનાભાઈ નિલેશ કહારે આક્રંદ સાથે જણાવ્યું હતું કે, હું, મારો મોટો ભાઈ સંજય ઉર્ફે સચિન કહાર અને મારા માસીનો છોકરો ભાજપના બેનર લગાવી રહ્યા હતા. આ સમયે મારા મોટાભાઈને કરંટ લાગતા તેનું મોત થયું હતું. હું આખી રાત ઊંઘ્યો નથી, આંખો બંધ કરું તો મારો ભાઈ જ દેખાય છે.
વડોદરાના કિશનવાડી વિસ્તારમાં આવેલ વુડાના મકાનમાં બ્લોક નં.38માં આવેલા મકાન નં.14માં રહેતા સંજય ઉર્ફે સચિન કહાર તેનો ભાઈ નિલેશ કહાર અને પિતરાઈ ભાઈ વિકાસ કહાર ગત સાંજે આજવા રોડ પર આવેલા શ્રીજી પાર્ટી પ્લોટમાં બેનર્સ લગાવવા ગયા હતા. વરસાદી માહોલ હોવાથી બેનર્સ લગાવતી વખતે સંજય ઉર્ફે સચિન કહારને કરંટ લાગ્યો હતો. જેથી સંજય ઉર્ફે સચિનને સારવાર અર્થે વાઘોડિયા રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી અને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. જ્યાં પરિવારજનોએ આક્રંદ કર્યું હતું. વડોદરા શહેરમાં આજે પંડિત દિન દયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાનો કાર્યક્રમ હોવાથી ત્રણેય ભાઇઓ ગઈકાલે સાંજે બેનર્સ લગાવવા ગયા હતા. ત્યારબાદ શ્રીજી પાર્ટી પ્લોટમાં બેનર્સ લગાવતા સમયે આ દુર્ઘટના બની હતી.
મૃતક સંજય ઉર્ફે સચિનના ભાઈ નિલેશ કહારે રડતા રડતા વધુમાં જણાવ્યું હતું કે, પાર્ટી પ્લોટવાળાની નિષ્કાળજીના કારણે આજે મારા મોટાભાઈએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એમના ઘણા માણસો ત્યાં ઉભા હતા. તેમ છતાં કોઈએ અમને જાણ નહોતી કરી કે, અહીં કરંટ લાગે છે. અમે બેનર લઈને ત્યાં ગયા તો અમને કોઇએ રોક્યા પણ નહોતા, કરંટ લાગતા અમારું બેનર નમી ગયું હતું. જેથી મારો મોટોભાઈ સંજય ઉર્ફે સચિનને કરંટ લાગતા તે ચોંટી ગયો હતો અને બૂમો પાડીને કહ્યું હતું કે, તમે લોકો છોડી દો અહીં કરંટ લાગે છે, અમે બેનર છોડી દીધું, પરંતુ, તેઓ છોડવા ગયા અને તેમનાથી ન છૂટ્યું અને તેમનો એક હાથ પકડાઈ ગયો હતો. જેથી અમે બૂમાબૂમ કરી મૂકી હતી અને રડવા લાગ્યા હતા, તેમજ છોડાવવાના પ્રયાસો શરૂ કર્યાં હતા. પણ તેમને છોડાવવા માટે કંઈ મળ્યું નહોતું.
નિલેશે વધુમાં જણાવ્યું હતું કે, પાર્ટી પ્લોટમાં હાજર લોકોએ એમસીબી બંધ કરવાનું વિચાર્યું નહોતું. બે મિનિટ સુધી મારો ભાઈ તરફડિયા મારી રહ્યો હતો, મારા માસીના છોકરાએ કહ્યું હતું કે, તેને કંઈક માર, પણ મારવા માટે પણ કંઈ મળ્યું નહોતું. ત્યાં બધું લોખંડ જેવી વસ્તુઓ જ પડી હતી અને પછી મેં બૂમો પાડી હતી કે, કોઈ એમસીબી બંધ કરો, પછી કોઈએ જઈને એમસીબી બંધ કરી હતી. ત્યારબાદ અમે મારા ભાઈ પાસે ગયા હતા. પણ તે કોઈ મુવમેન્ટ કરી રહ્યો નહોતો. જેથી કોઈએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જો કે, 108ને આવતા 10થી 15 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. આ સમય દરમિયાન મારા ભાઇનું સ્થળ પર જ મોત થઈ ગયું હતું.
નિલેશે વધુમાં જણાવ્યું હતું કે, બે સ્થાનિક ડોક્ટર આવ્યા હતા અને તેઓએ ભાઈને ચેક કર્યો હતો અને મુવમેન્ટ છે તેમ કહીને 108 એમ્બ્યુલન્સમાં લઈ જાવ એમ કહ્યું હતું. તેઓએ મારા ભાઈના મોઢામાં હાથ નાખીને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો, પણ ન તો તેમની આંખ ફરી કે ન તો તેમના મોઢામાંથી કોઈ અવાજ આવ્યો. ભાજપના બેનર્સ લગાવવા અમે ગયા હતા અને આ ઘટના બની હતી. હું આખી રાતનો ઊંઘ્યો નથી, આંખો બંધ કરું તો મારો ભાઈ જ દેખાય છે. મારા ભાઈના મૃત્યુ અંગે યોગ્ય કાર્યવાહી કરીને મારા ભાઈ માટે ન્યાયની મારી માગણી છે.