- મા જમવાનું બનાવતી હતી’ને દીકરાને હોસ્પિટલ ખસેડયાની જાણ મિત્રે ફોન કરીને કરી હતી
- ધક્કામુક્કી થતાં માર મારી માથું ફાડી નાખ્યું હતું, પાણીગેટ પોલીસે 3 આરોપી સામે ગુનો નોંધ્યો
વડોદરા શહેરમાં 1 ઓગસ્ટના રોજ નીકળેલી દશામાની શોભાયાત્રામાં નાચતાં-નાચતાં ટોળામાં કેટલાક લોકોએ મળીને 20 વર્ષીય યુવકને માર માર્યો હતો. આ યુવકનું આજે સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત થયું છે. આ મામલે પાણીગેટ પોલીસે 3 શખસોની શોધખોળ શરૂ કરી છે. યુવકને માર મારવાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં કેટલાક લોકો મળીને યુવકને માર મારતા દેખાય છે.
વડોદરાના કિશનવાડી વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં રહેતા વિધવા મહિલા ચંદ્રીકાબેન ઠાકોર (ઉ.35)એ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત તા.01/08/2024ના રોજ હું મારા ઘરે જમવાનુ બનાવતી હતી અને મારા બન્ને દીકરા સાંજે 7 વાગ્યે દશામાની શોભાયાત્રા જોવા માટે ગધેડા માર્કેટ ગયા હતા. રાત્રે આશરે 11.30 વાગ્યાની આસપાસ મારા દીકરા પીયૂષ (ઉ.20)ના મિત્ર પ્રથમ માછીએ મને મોબાઇલ ફોનથી જાણ કરી કે, પિયુષને દશામાની શોભાયાત્રામાં ગધેડા માર્કેટથી ઠેકરનાથ મહાદેવ મંદિર જવાના રોડ પર કોઇએ માર મારતા માથામાં ઇજા થઈ છે અને તેને હું 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લાવીને તાત્કાલિક વિભાગમાં દાખલ કર્યો છે, તમે દવાખાને આવી જાવ. તેવી વાત કરતા સયાજી હોસ્પિટલમાં દોડી ગઇ હતી. જ્યાં મારો દીકરો બેભાન અવસ્થામાં હતો.
તે વખતે પીયૂષનો મિત્ર કુલદિપ વસાવા પણ તાત્કાલિક સારવાર વિભાગમાં આવી ગયેલો હતો અને તેને પૂછતાં તેણે મને કહ્યું હતું કે, દશામાની શોભાયાત્રામાં હું અને પીયૂષ આશરે 10.30 વાગ્યાના સુમારે ગધેડા માર્કેટથી ઠેકરનાથ મહાદેવ મંદિર જવાના રોડ ઉપર બેન્ડવાજા આગળ નાચતા હતા અને બીજા માણસો પણ નાચતા હોય ખૂબ જ ભીડ થયેલી હતી, તેમાં એક ભાઈ સામે અડીને ચાલતા હોવાથી પીયૂષનો હાથ તેમને અડી ગયો હતો. તે ભાઈ પીયૂષ સાથે ગાળાગાળી કરી ઝઘડો કરવા લાગ્યા હતા. જેથી પીયૂષે ગાળો બોલવાની ના પાડતા તે ભાઇ એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને તેણે તેના હાથમાં કડા જેવુ કંઇક પહેર્યું હોવાથી તે માથામાં મારી દેતા પીયૂષને લોહી નીકળવા લાગ્યું હતું. પિયુષ ત્યાંથી દોડીને ભાગતા ડિવાઇડર સાથે અથડાતા પડી ગયો હતો. બાકીના કેટલાક લોકોએ લાતો મારી હતી. જ્યાં હાજર તેના મિત્રોએ છોડાવ્યો હતો અને સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં પીયૂષનું સારવાર દરમિયાન મોત થયું છે. આ મામલે પાણીગેટ પોલીસે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
સ્થાનિક યુવક કુલદીપે જણાવ્યું હતું કે, ગધેડા માર્કેટ ખાતે દશામાની આગમન યાત્રામાં નાચવા માટે ગયા હતા. ત્યાં નાચતી વખતે ધક્કામુક્કી થતાં પીયૂષ નરેશ ઠાકોરને 15થી 16 છોકરાઓએ ભેગા થઈને માર્યો હતો. જેથી તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે.
સ્થાનિક સંજય બારીયાએ જણાવ્યું હતું કે, મારો મિત્ર પીયૂષ ઠાકોર મને પહેલી જુલાઇએ મળ્યો હતો અને એ દિવસે સાથે નાચ્યા હતા અને તે આગળ નીકળી ગયો હતો અને હું પાછળ રહી ગયો હતો. તેને આગળ જતા ધક્કામુક્કીમાં કોઇ લોકોએ માર માર્યો હતો અને માથું ફાડી નાખ્યું હતું અને સર્જરી કરવામાં આવી હતી અને તેને પોતાનો જીવ ગુમાવ્યો છે. પોલીસે હજી કોઇ કાર્યવાહી કરી નથી. પીયૂ ને ન્યાય મળવો જોઇએ અને આરોપીઓને સજા થવી જોઇએ. ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ.
પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એમ. વ્યાસે જણાવ્યું હતું કે, યુવકને માર માર્યા બાદ સારવાર દરમિયાન તેનું મોત થયું છે. આ મામલે 3 આરોપી સામે ગુનો દાખલ કરીને શોધખોળ શરૂ કરી છે.