- ઉત્સવ શાહ મોડી રાત સુધી પરત ન ફરતા મિત્રો અને પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો
- વડોદરા ફાયર બ્રિગેડે યુવાનનો મૃતદેહ બહાર કાઢી જરોદ પોલીસને સોંપ્યો
વડોદરા નજીક ખંડીવાડા ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીની મુખ્ય કેનાલમાં મોડી રાત્રે હાલોલના એક આશાસ્પદ યુવાને પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આજે સવારે વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા યુવાનનો મૃતદેહ બહાર કાઢી જરોદ પોલીસને સોંપવામાં આવ્યો હતો. જરોદ પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ યુવાને કયા કારણોસર આપઘાત કર્યો તે રહસ્ય અકબંધ છે.
મળેલી માહિતી પ્રમાણે હાલોલમાં વલ્લભાચાર્ય નગરમાં રહેતો 26 વર્ષિય ઉત્સવ શૈલેષભાઇ શાહ ગત રાત્રે 1.30 વાગ્યાના સુમારે IPL ક્રિકેટની ફાઇનલ મેચ પૂરી થયા બાદ એક્ટીવા લઇને નીકળ્યો હતો. મોડી રાત સુધી ઉત્સવ પરત ન ફરતા પરિવારે ઉત્સવના કાકાને જાણ કરી હતી. તુરંત જ ઉત્સવના કાકા તેમના મિત્રો મેહુલભાઇ સેવક તેમજ અશ્વિનભાઇ પટેલને બોલાવી ઉત્સવની શોધખોળ કરવા માટે નીકળ્યા હતા.
કાકા તેમજ તેમના મિત્રોએ હાલોલ તેમજ હાલોલ નજીક આવેલી હાઇવેની હોટલોમાં તપાસ કરી હતી. પરંતુ, ઉત્સવનો કોઇ પત્તો મળ્યો ન હતો. દરમિયાન તેઓએ હાલોલ-વડોદરા રોડ ઉપર આવેલી ખંડીવાડા નર્મદા કેનાલ પાસે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ચાવી નાંખેલી હાલતમાં એક્ટીવા જોતા, ચોંકી ઉઠ્યા હતા. આથી તેઓેને શંકા ગઇ હતી કે, ઉત્સવે કેનાલમાં પડતું મૂક્યું હશે. છતાં, આજે સવારે કાકા તેમજ મિત્રો કેનાલ પાસે આવી પહોંચ્યા હતા. અને કેનાલની આસપાસના વિસ્તારોમાં તપાસ કરી હતી. પરંતુ, ઉત્સવનો કોઇ પત્તો મળ્યો ન હતો.
દરમિયાન ઉત્સવે નર્મદા કેનાલમાં પડતું મૂક્યું હોવાની આશંકા સાથે વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરતા તુરતજ ફાયર બ્રિગેડની ટીમ ખંડીવાડા કેનાલ પાસે પહોંચી હતી. અને એક કલાકની ભારે શોધખોળ બાદ સરણેજ ક્રોસીંગ ગેટ-95 પાસેથી ઉત્સવ શાહની લાશને શોધી કાઢી હતી. અને લાશ જરોદ પોલીસને સોંપી હતી. જરોદ પોલીસે લાશનો કબજો લઇ પોષ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી છે.
મળેલી માહિતી પ્રમાણે ઉત્સવ શાહ નોકરી કરતો હતો. અને તે બે બહેન વચ્ચે એકનો એક ભાઇ હોવાનું જાણવા મળ્યું હતું. મોડી રાતે ઉત્સવે કોઇ કારણસર ખંડીવાડા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ ઉપર આવી પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે જરોદ પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.