- છાણીમાં રહેતી પુત્રીના ઘરે આવતા વૃદ્ધને ઇ-વાહનની ડીલરશિપના નામે યુવકે રૂપિયા પડાવ્યા, વૃદ્ધે છાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
ભાવનગરમાં રહેતા વૃદ્ધ દીકરીના ઘરે વડોદરા આવતા હતા અને તે દરમિયાન તેઓ ચિરાગ ચૌહાણ અને તેના પિતાના સંપર્કમાં આવ્યા હતા અને તેઓ વચ્ચે ઈલેક્ટ્રિક બાઈકની ડીલરશિપને લઈને ધંધો શરૂ કરવાનું નક્કી થયું હતંુ. જેમાં માટે ચિરાગે 30 લાખ વૃદ્ધ પાસેથી લીધા હતા અને તેઓ વચ્ચે કરાર થયો હતો કે, ચિરાગ ચૌહાણ 1 વર્ષમાં 30 લાખ વૃદ્ધને પરત આપી દેશે, પણ ચિરાગે રૂપિયા પાછા ન આપતા વૃદ્ધે છાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ભાવનગરના કાળીયાબીડમાં રહેતા હરદેવસિંહ ગોહીલની દીકરી વડોદરા રહેતી હોવાથી તેઓ અવાર-નવાર વડોદરા આવતા હતા. સપ્ટેમ્બર-2022માં દીકરીના ઘરે યોગીનગર ટાઉનશિપ છાણી ખાતે આવ્યા હતા. આ દરમિયાન તેઓની મુલાકાત ચિરાગ ચૌહાણ સાથે થઈ હતી. હરદેવસિંહને દુકાન લેવી હોવાથી તેઓએ બ્રોકર તરીકે કામ કરતા ચિરાગ ચૌહાણને કહ્યું હતું. જેથી ચિરાગે કહ્યું કે, મારે પણ ઈલેક્ટ્રિક બાઈકનો ધંધો કરવો હોવાથી તમે ભાયલી-સેવાસી રોડ પર ધ આર્યન લેન્ડ માર્કમાં દુકાન ખરીદી લો ત્યાં આપણે ઈલેક્ટ્રિક વાહન અને પ્રોપર્ટી કન્સટન્સીનો ધંધો કરીશું. જેથી હરદેવસિંહે 16 લાખમાં દુકાન ખરીદી હતી.
જે બાદ ચિરાગે તેના પિતા સાથે ઓળખાણ કરાવી હતી અને કહ્યું કે, મારા પપ્પા નિવૃત્ત છે, જેથી તેઓ તમારી સાથે દુકાને બેસશે. આ શો રૂમ નાનો પડશે અને ધંધા માટે રૂપિયા ૭૦ લાખનું રોકાણ જોઇશે. જેથી ચિરાગના કહેવાથી મેં બાજુની દુકાન ખરીદી હતી. આ બાદ ચિરાગે ભાગીદારીના નામે ડીલરશિપના નામે રૂપિયા 30 લાખ લીધા હતા. જે બાદ તેઓએ 30 લાખ બાબતે ચિરાગે સિક્યુરિટી ચેક આપી 1 વર્ષમાં રૂપિયા પરત કરવા અંગે કરાર કર્યો હતો.પરંતુ ત્યારબાદ નક્કી કરેલી સમય મર્યાદામાં ચિરાગે તેના કહેવાથી લીધેલી દુકાન કે ઇ બાઇકના શોરૂમના કાગળો આપ્યા નહતા અને રૂપિયા પણ પરત ન આપતાં હરદેવસિંહે છાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી છાણી પોલીસે ચિરાગ હરિશભાઇ ચૌહાણ અને હરિશચંદ્ર ઉદેસિંહ ચૌહાણ (બંને રહે.લક્ષ્મીનારાયણ નગર, ભરૂચ) સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો.