- લોગીન કરી ટાસ્કમાં 50ના બદલે 100 મળશે તેવી લાલચ આપી હતી
સમગ્ર રાજ્યમાં દિન પ્રતિદિન સાયબર ફ્રોડને લઇ ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે વડોદરામાં એક ખાનગી કંપનીમાં એચ.આર તરીકે નોકરી કરતા વ્યક્તિ સાથે સાયબર ઠગોએ છેતરપિંડી આચરી છે. યૂટ્યૂબમાં વીડિઓ લાઈક અને સસ્ક્રાઇબ કરવાના નામે રૂપિયા 8 લાખથી વધુની છેતરપિંડી આચરી છે. જેની ફરિયાદ સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવી છે. ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ હાથ ઘરી છે.
વડોદરા શહેરના સમા-સાવલી રોડ પર આવેલા સિવાલ એવન્યુમાં રહેતા અને ખાનગી કંપનીમાં એચ.આર. તરીકે નોકરી કરતા અમી શરદભાઈ સુરાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તારીખ 13 ડિસેમ્બર, 2023ના રોજ એક અજાણ્યા વોટ્સએપ પરથી મેસેજ આવ્યો હતો. તેમાં એક લિંક હતી, જેમાં યૂટ્યૂબ વીડિયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરવા માટે કહેવામાં આવ્યું હતું. બાદમાં મને તે જ દિવસે ટેલિગ્રામ આઈ.ડી પર એક ઇસમ સાથે વાત કરવા કહ્યું હતું. મારી પાસે મારી ઉંમર અને શહેર અંગેની વિગતો ભરવા કહેવામાં આવ્યું હતું અને જે મેં પૂર્ણ કરી હતી. બાદમાં લિંક આધારે વીડિઓ સસ્ક્રાઇબ અને લાઈક કરતા 150 રૂપિયા મારા એકાઉન્ટમાં આવતા મને આ અંગે વિશ્વાસ આવ્યો હતો. બાદમાં સાયબર ગઠિયાઓએ એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ મંગાવ્યો હતો. સાથે જ ટેલિગ્રામ ગ્રુપમાં એક મેસેજ કર્યો હતો. આ માટે 10 ટાસ્ક યૂટ્યૂબમાં વીડિયો લાઈક કરવા કહેવામાં આવ્યું અને બાદમાં આવા 21 ટાસ્ક આપ્યા હતા જે સમય મર્યાદામાં પૂર્ણ કરવાના હતા. જેથી સમજ ન પડતા આ ટાસ્ક કઈ રીતે પૂર્ણ કરવા અને નાણાં રિફંડ માટે શું કરવું તે બાબતે માહિતી આપી હતી.
આ ચર્ચા બાદ તારીખ 14 ડિસેમ્બરના રોજ ટેલિગ્રામ આઈ.ડી ધારકે રિસેપ્શનઇસ્ટ હોવાનું કહી એક લિંક મોકલી હતી. જેના રજીસ્ટ્રેશન કરવા માટે મને કહેવાયું અને મારો ઈમેલ આઇ.ડી અને પાસવર્ડ મંગાવ્યો હતો. બાદમાં તેને લોગીન કરી ટાસ્કમાં 50ના બદલે 100 રૂપિયા મળશે તેવી લાલચ આપી હતી. બાદમાં ડેટામાં ભૂલ હોવાનું કઈ પેમેન્ટ કરવું પડશે તેવું જણાવ્યું હતું. ટાસ્ક મુજબ વિવિધ ખાતામાં પૈસા ડેબિટ અને ક્રેડિટ થયા હતા.
ત્યાર બાદ તારીખ 16 ડિસેમ્બરના રોજ લિંકમાં ચેક કરતા 10,44,903 બેલેન્સ બતાવતું હતું. જે વિડ્રો કરવા કહેવામાં આવ્યું હતું, પરંતુ તે વિડ્રો થયા ન હતા. જેથી મને આ અંગે શંકા જતા સાયબર ક્રાઈમ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. આ ફરિયાદમાં મારી સાથે રૂપિયા 8,06,872 ભરાવી પરત ન કરતા મારી સાથે છેતરપિંડી ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.