- યુવકે બીજા પગથી મગરની આંખોમાં લાત મારતા મગર પગ છોડીને પાણીમાં ઘરક થઇ ગયો, મગરના દાંત પગમાં વાગતા ઇજા
વડોદરા નજીક આવેલા ધનિયાવી ગામનો યુવાન માછલી પકડવા માટે ગામ પાસેથી પસાર થતી મીની નદી કિનારે ગયો હતો. દરમિયાન ધસી આવેલા મગરે યુવાનનો પગ પકડી લીધો હતો. જોકે, યુવાને હિંમત હાર્યા વગર મગરના મોંઢામાં આવી ગયેલો પગ છોડાવી પોતાનો જીવ બચાવ્યો હતો. જોકે, મગરના દાંત તેના પગમાં વાગતા સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
મળેલી માહિતી પ્રમાણે શહેરના તરસાલી બાયપાસ પાસે નવીનગરીમાં રહેતો 19 વર્ષીય યુવાન કરણ મનુભાઈ રાઠોડિયા માછીમારી કરે છે. આજે તે ધનિયાવી ગામ પાસેથી પસાર થતી મીની નદીમાં માછલી પકડવા ગયો હતો. જ્યાં તે નદીના પાણીમાં પગ નાંખી માછલી પકડી રહ્યો હતો. દરમિયાન એકાએક ધસી આવેલા મગરે તેનો પગ પકડી લેતા તેણે બુમરાણ મચાવી મૂકી હતી.
કરણની ચિસો સાંભળી એક તબક્કે કોઇ બચાવવા માટે આવ્યું ન હતું. આથી કરણે હિંમત એકઠી કરીને પોતાના બીજા પગથી મગરની આંખોમાં લાત મારતા મગર પગ છોડીને પાણીમાં ઘરક થઇ ગયો હતો. આ દરમિયાન કરણની ચિસો સાંભળીને નદી કિનારે આવી પહોંચેલા નગરીના લોકો તેને મગરના દાંત પગમાં વાગતા થયેલી ઇજાના કારણે તુરંત જ 108 એમ્બ્યુલન્સ બોલાવી સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા.
ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ કરજણમાં આવેલા સ્વામી વિવેકાનંદ તળાવના કિનારે કપડાં ધોઇ રહેલી એક વૃધ્ધાને પાણીમાં ખેંચી ગયો હતો. જેમાં મહિલાનું મોત નીપજ્યું હતું. જો ધનીયાવી ગામનો કરણ પણ ગભરાઇ ગયો હોત અને તેને પોતાનો પગ છોડાવવા માટે પ્રયાસ કર્યો ન હોત તો કદાચ મગરે કરણ પણ બચી શક્યો ન હોત. ધનીયાવી ગામ પાસેથી પસાર થતી મીની નદીના કિનારે બનેલા આ બનાવે ગામમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી.