- હાર્દિકને માથા તેમજ હાથે-પગે ગંભીર ઇજાઓ થતા સ્થળ પર જ મોત નીપજ્યું
- અકસ્માતને પગલે હાઇવા ટ્રકની જોરદાર ટક્કરથી મોપેડના ટુકડા થઇ ગયા હતા
વડોદરા જિલ્લાના ડભોઇ-સાઠોદ રોડ ઉપર આવેલા સુખધામ વૃદ્ધાશ્રમ નજીક જ્યુપીટર ચાલક યુવકને હાઇવા ટ્રકચાલકે ટક્કર મારતા યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. હાઇવા ટ્રકની જોરદાર ટક્કરથી મોપેડના ટુકડા થઇ ગયા હતા. અકસ્માતમાં મોતને ભેટેલો યુવાન ઉઘરાણીએ જવા નિકળ્યો હતો. આ બનાવ અંગે પોલીસે લાશનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી છે.
મળેલી માહિતી પ્રમાણે, ડભોઇ તાલુકાના સાઠોદ ગામમાં રહેતો અને સેગવા ગામે વ્યવસાય કરતો યુવક હાર્દિક ભરતભાઇ બારોટ પોતાની જ્યુપીટર મોપેડ લઇ ડભોઇ ઉઘરાણી બાકી હોય તે લેવા જઈ રહ્યો હતો. દરમિયાન ડભોઇ-સાઠોદ રોડ ઉપર સુખધામ વૃદ્ધાશ્રમ નજીક પૂરપાટ પસાર થઇ રહેલા હાઇવા ટ્રકચાલકે યુવકની મોપેડને ટક્કર મારતા યુવક રોડ ઉપર ફંગોળાયો હતો અને તેને માથા તેમજ હાથે-પગે ગંભીર ઇજાઓ થતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે ડભોઇ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે પોલીસ પહોંચે તે પહેલાં અકસ્માત સર્જનાર હાઇવા સ્થળ ઉપર મૂકી ભાગી છૂટ્યો હતો. પોલીસે મૃતદેહને પી.એમ અર્થે મોકલી નાસી છૂટેલા હાઇવાચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.