વાહન ચોરીના ગુનામાં શંકાસ્પદ તરીકે ક્રાઇમ બ્રાન્ચમાં પૂછતાછ માટે લવાયેલા યુવકની તબિયત લથડતાં મોત

તરસાલી રીંગ રોડ પર રહેતા 29 વર્ષીય યજ્ઞેશ ચૌધરીને પૂછપરછ માટે લઇ જવાયો હતો

MailVadodara.com - A-young-man-who-was-brought-to-the-crime-branch-for-questioning-as-a-suspect-in-the-crime-of-vehicle-theft-died-due-to-failing-health

- યુવકની અચાનક તબિયત લથડતાં પોલીસકર્મી દ્વારા સરકારી ગાડીમાં સારવાર માટે જમનાબાઈ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જોકે, સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે બાઈકચોરીની પૂછપરછ માટે ઝડપેલા 29 વર્ષીય યુવકનું છાતીમાં એકાએક દુખાવો ઉપડતાં ગત રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ મોત નીપજ્યું હતું. યુવકની પૂછપરછ દરમિયાન એકાએક તબિયત લથડતાં પોલીસકર્મી દ્વારા તાત્કાલિક સરકારી વાહનમાં સારવાર હેતુસર જમનબાઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન જ યુવકનું મોત નીપજતા અનેક પ્રકારના પ્રશ્નો સામે આવ્યા છે. હાલ પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ માટે યુવકના મૃતદેહને મોકલી દેવામાં આવ્યો છે. જોકે, હજુ યુવકના મોત પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી.


વડોદરા શહેરના સુસેન તરસાલી રીંગ રોડ પર આવેલા હરિનગર ખાતે રહેતા 29 વર્ષીય યજ્ઞેશ રાજેન્દ્રભાઇ ચૌધરી પ્રાઇવેટ નોકરી કરતો હતો. ગત રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ચોરીની બાઇક અંગેની પૂછતાછ માટે ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી હતી. આ પૂછપરછ દરમિયાન જ એકાએક તેને છાતીમાં દુખાવો ઉપડ્યો અને તેની તબિયત લથડી હતી. આ સ્થિતિમાં તુરંત જ પોલીસકર્મી દ્વારા તેને સરકારી ગાડીમાં બેસાડી તાત્કાલિક સારવાર માટે જમનબાઈ હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અહીં હાજર તબીબે તેનું ઈ.સી.જી. ચેક કર્યું પણ યુવકની તબિયત વધુ લથડતાં રાત્રિના 11.40 વાગ્યે તેનું મોત નીપજ્યું હતું. પુત્રના મોતના સમાચાર મળતાં જ જાણે પરિવાર પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. 

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ યજ્ઞેશને ચોરીની બાઇકની પુછતાછ બાબતે ક્રાઇમ બ્રાન્ચમાં લાવવામાં આવ્યો હતો અને બાદમાં તેનું મોત નિપજ્યું હતુ. જોકે યજ્ઞેશના મૃતદેહના સયાજી હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાં મુકવામાં આવ્યો હતો. જ્યાં તેના પોસ્ટ મોર્ટમ કરવાની તજવીજ હાથ ધરાઇ છે. યજ્ઞેશનુ મોત કયા કારણોસર નિપજ્યું હતુ, તે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યાં બાદ વધુ સ્પષ્ટ થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.


આ બનાવ અંગે ક્રાઇમ બ્રાન્ચ ACP હરપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, ગઈકાલે શકદાર તરીકે યજ્ઞેશ ચૌધરીને લાવેલ હતા. સયાજીગંજ પોલીસ મથકમાં 27 ડિસેમ્બરે એક વાહન ચોરીનો ગુન્હો દાખલ કરાયો હતો. જેના CCTV આધારે ચોરી કરનાર ઇસમોમાં આ વ્યક્તિને શકમંદ તરીકે લાવેલ હતા. ગતરાત્રે 9 વાગે પૂછપરછ માટે લાવ્યા બાદમાં પૂછપરછ દરમ્યાન છાતીમાં દુઃખતું હોવાની વાત કરતા તેને જમનાબાઈ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યારબાદ સયાજી હોસ્પિટલમાં ખસેડતા હજાર તબીબે મૃત જાહેર કર્યો હતો.

આ બનાવમાં આ વ્યક્તિને કસ્ટોડિયલ ડેથ તરીકે જાહેર કર્યો છે. જેથી આ બાબતે યોગ્ય તાપસ થઈ શકે તે માટે એસીપી ડી-ડિવિઝન તપાસ કરી રહ્યા છે. આ બનાવ અંગે પરિવારને જાણ કરી હતી અને SSGમાં લાવ્યા હતા તે દરમિયાન પણ જાણ કરી હતી. આ શકદાર તરીકે હતો એની સામે કોઈ ગુન્હો ન હતો. આ બાબતે અગાઉ ગુન્હો હતો જેની તપાસમાં શકદાર તરીકે લાવેલ હતા. ઉલ્લેખનીય છે કે, હાલ અન્ય બે જણાને લાવેલા હતા અને પોલીસની કોઈ બેદરકારી છે કે કેમ તે તપાસ ચાલી રહી છે.

Share :

Leave a Comments