- આજે 20 વર્ષીય સંજય વાદી તળાવની વચ્ચેથી કિનારા સુધી આવી ન શકતા ડૂબી જતા મોતને ભેટ્યો, ફાયર બ્રિગેડે મૃતદેહને બહાર કાઢ્યો
શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા તળાવમાં આજે સવારે શ્રમજીવી પરિવારના યુવાનનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ યુવાન શ્રીજીના વિસર્જન સાથે પધરાવવામાં આવતા શ્રીફળ કાઢવા માટે તળાવમાં ગયો હતો. આ યુવાન તરવૈયો હોવા છતાં તળાવની વચ્ચે પહોંચ્યા બાદ પાણીમાં તરીને બહાર આવી ન શકતા મોતને ભેંટ્યો હતો.
મળેલી માહિતી પ્રમાણે તરસાલી બાયપાસ પાસે આવેલા વુડાના મકાનમાં 20 વર્ષીય સંજય પ્રવિણભાઇ વાદી માતા સવીબહેન તેમજ ભાઇ-બહેન સાથે રહેતો હતો. છૂટક મજૂરી કામ કરતો સંજય છેલ્લા બે દિવસથી તરસાલી તળાવમાં શ્રીજીના વિસર્જન દરમિયાન પધરાવી દેવામાં આવતા શ્રીફળ કાઢવા માટે જતો હતો.
આજે સંજય વાદી સવારે 11 વાગ્યાના સુમારે તળાવમાં શ્રીફળ કાઢવા માટે તળાવમાં ઉતરતો હતો. તળાવની વચ્ચે પડેલા શ્રીફળ કાઢવા માટે સંજય તરતો-તરતો તળાવની વચ્ચે પહોંચી ગયો હતો. જ્યાં ઉંડુ પાણી હતું. શ્રીફળ લઇ લીધા બાદ તે તળાવની વચ્ચેથી કિનારા સુધી તરીને ન આવી શકતા ડૂબી જતા મોતને ભેટ્યો હતો.
કલાકો બાદ તળાવની વચ્ચોવચ્ચ તરી રહેલા મૃતદેહને અન્ય તરવૈયાઓએ જોતા ફાયર બ્રિગેડને જાણ કરી હતી તુરંત જ મકરપુરા જી.આઇ.ડી.સી. ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર એચ.વી. ગઢવી સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતા. આ દરમિયાન સ્ટાફ રબર બોટ દ્વારા તળાવની વચ્ચોવચ્ચ જઇને મૃતદેહને બહાર કાઢ્યો હતો અને બનાવની જાણ થતાં જ દોડી આવેલી મકરપુરા પોલીસને મૃતદેહ સોંપ્યો હતો.
મૃતદેહ બહાર કાઢ્યા બાદ મૃતદેહ સંજય વાદીનો હોવાનું અને તરસાલી વુડાના મકાનનો રહેવાસી હોવાની પોલીસને માહિતી મળતા પરિવારને જાણ કરી હતી. પોલીસ દ્વારા માહિતી મળતા જ સંજયની માતા સવીબહેન તેમજ તેના ભાઇ-બહેન ભારે આંક્રદ કરતા દોડી આવ્યા હતા. તળાવના કિનારે ભાઇનો મૃતદેહ જોઇ પરિવારે ભારે આંક્રદ કરી મૂક્યું હતું. આ બનાવને પગલે સંજયના મિત્રો સહિત મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા. આ બનાવે વિસ્તારમાં તેમજ વુડાના મકાનોમાં ચકચાર જગાવી મૂક્યો હતો. તે સાથે જ ગમગીની ફેલાવી દીધી હતી.
મકરપુરા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કિરણભાઇએ લાશનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. હેડ કોન્સ્ટેબલ કિરણભાઇએ જણાવ્યું હતું કે, મૃતદેહ ઉપર કોઇ ઇજાના નિશાન મળી આવ્યા નથી. સંજય વાદીનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. હાલ આ બનાવ અંગે આકસ્મિક મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.