- સાયબર સેલે ટેકનિકલ સોર્સથી જે મોબાઇલ નંબર પરથી સ્નેપ ચેટનો ઉપયોગ થતો હતો, તે નંબર મેળવી તેના આધારે મકરપુરાના અમરજીત પટેલ નામના આરોપી હેકર યુવકની ધરપકડ કરી હતી
વડોદરા શહેરમાં રહેતી યુવતીનું અનયૂઝ્ડ સ્નેપચેટ એકાઉન્ટ હેક કરીને યુવતીના ફોટો અને વીડિયો યુવતીના મિત્રને મોકલ્યા હતા અને યુવતીના ફોટો-વીડિયો વાઇરલ કરી દેવાની ધમકી આપી પૈસાની માંગણી કરી હતી. આ મામલે યુવતીએ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાની યુવતીએ સાયબર ક્રાઇમમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે અમરજીત પટેલ (ઉ.24)એ યુવતીનું સ્નેપચેટ એકાઉન્ટ હેક કર્યું હતું. અને તેના સ્નેપચેટ એકાઉન્ટની સ્ટોરીમાં અજાણી છોકરીનો ફોટોમુકી દીધો હતો. આ ઉપરાંત હેક થયેલા સ્નેપચેટ આઇડીથી યુવતીના ફોટો અને વીડિયો તેના મિત્રને મોકલ્યા હતા અને તેને વાઇરલ ન કરવા માટે યુવતીના મિત્ર પાસેથી પૈસાની માંગણી કરી હતી. આ વાતની જાણ થતાં યુવતીએ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં IPC કલમ 354(ડી) અને આઇ.ટી.એક્ટ કલમ 43,66,66 (સી) મુજબ ફરિયાદ નોંધાવી હતી.
સાયબર સેલે ટેકનિકલ સોર્સથી જે મોબાઇલ નંબર પરથી સ્નેપ ચેટનો ઉપયોગ થતો હતો. તે નંબર મેળવી તેના આધારે આરોપી હેકર યુવકને શોધી કાઢ્યો હતો. પોલીસે આરોપી અમરજીત રામભરન પટેલ (રહે. વૃંદાવન સોસાયટી, મકરપુરા)ને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતા તે જામીન પર મુક્ત થઇ ગયો હતો. અમરજીત મૂળ યુ.પી.નો છે. પરંતુ, ઘણા વર્ષોથી તે વડોદરામાં સ્થાયી થયો છે. તેણે બી.કોમ.ના પ્રથમ વર્ષ સુધી અભ્યાસ કર્યો છે. અમરજીતે અન્ય કેટલા મિત્રોને ફોટા અને વીડિયો મોકલી પૈસાની માંગણી કરી છે તેમજ કેટલા લોકો પાસેથી પૈસા પડાવી લીધા છે ? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તે ઉપરાંત અમરજીતે અન્ય કેટલી યુવતીઓના સોશિયલ મીડિયાના એકાઉન્ટ હેક કર્યા છે ? તે અંગે પોલીસે અમરજીતની વધુ પૂછપરછ હાથ ધરી આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.