- કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારના ઈલેક્ટ્રીક કામ માટે વપરાતા સેફ્ટી અંગેના સાધનો ન હતા : પરિવારજનો આક્ષેપ
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી હોટેલ સુબા ઈલાઈટમાં એલેક્ટ્રિશન તરીકે કામ કરતા યુવાનનું હોટેલના આઠમાં માળેથી અગમ્ય કારણોસર નીચે પટકાતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. પરિવારના આક્ષેપો છે કે તેને સેફ્ટી વગર કામ કરતો હતો અને કરંટ લાગતા મોત નિપજ્યું હતું.
મળતી વિગતો અનુસાર શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી સુબા ઈલાઈટ હોટેલમાં ચાર દિવસ અગાઉ જ ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરીએ લાગેલો યાકુતપુરા હુસૈન મસ્જિદ પાસે રહેતો 21 વર્ષીય શાહિદ મલિક હોટેલના આઠમાં માળેથી આજે સવારે અચાનક નીચે પટકાયો હતો. આ યુવકને ગીઝર બંધ કરતા કરંટ લાગ્યો હોવાનું પરિવારજનો કહી રહ્યા છે. પરિવારના આક્ષેપો છે કે કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારના ઈલેક્ટ્રીક કામ માટે વપરાતા સેફ્ટી અંગેના સાધનો ન હતા. આ કામગીરી દરમિયાન કોઈ કારણોસર હોટેલના આઠમાં માળેથી નીચે પટકાતા મોત નિપજ્યું હતું.
આ બનાવને લઈ સયાજીગંજ પોલીસ તપાસ કરી રહી છે. યુવકને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. પરિવારજનોએ હોટલ મેનેજમેન્ટ ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે કે, ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા યુવાન જોડે કામ અર્થે કોઈપણ પ્રકારના સેફ્ટીના સાધનો ન હતા. જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. આ યુવક ઘરનો મોભી હતો જેને પરિવારે ગુમાવ્યો છે. ત્યારે હોટેલ મેનેજમેન્ટ સહાય કરે અને પરિવારને ન્યાય મળે તેવી અપીલ કરી છે.
આ અંગે યુવકની બહેન શાયમાં શેખે જણાવ્યું હતું કે, મારો ભાઈ આ હોટેલમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી કામ કરતો હતો. તે ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો હતો અને વગર સેફ્ટીએ આ બનાવ બન્યો છે. તે હોટેલના આઠમાં માળે બોઇલર કે ગીઝર બંધ કરવા જતાં તે નીચે પટકાતા મોત થયું છે. અમને તેઓની સાથે નોકરી કરતા કર્મચારી દ્વારા અકસ્માત થયો હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ અહીં આવી જોતા મોત નિપજ્યું છે.
વધુમાં જણાવ્યું હતું કે, આ બાબતે હોટેલ દ્વારા કોઈ જાણ કરાઈ નથી કે અહીં કોઈ આવ્યું નથી. ત્યાં શું થયું કાંઈ જ ખબર નથી, કારણ કે તે સવારે જ મોર્નિંગ શિફ્ટમાં ગયો હતો. અમને ન્યાય જોઈએ છે, આજે મારો ભાઈ હતો, કાલે બીજું કોઈ હોઈ શકે છે. મારા પરિવારમાં જે કંઈ હતું તે ભાઈ હતો. મારા પપ્પા કોરોનામાં ગુજરી ગયા છે. હવે પરિવારમાં હું છું અને મારી નાની બેન સાથે મમ્મી છે.