વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ભરથાલી ગામ ખાતે આવેલ હરસિધ્ધિ માતાના મંદિરે આઠમ નિમિતે ધજા બદલવા મંદિર પર ચડેલ યુવકને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું. યુવાનનું વીજ કરંટ લાગવાના કારણે મોત નીપજતાં ખોબલા જેવડા ગામમાં નવરાત્રીનો ઉત્સાહ શોકમાં ફેરવાઇ ગયો હતો.
મળેલી માહિતી પ્રમાણે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ભરથાલી ગામે તળાવના કિનારે આવેલા હરિસિધ્ધી માતાના મંદિરે આઠમ નિમિતે ધજા બદલવાની હતી. આથી ગામના મંદીરવાળા ફળિયામાં રહેતો 30 વર્ષીય દીક્ષિતકુમાર પ્રવીણભાઈ મહારાજ મંદિરની ધજા બદલવા માટે મંદિરે ગયો હતો. દીક્ષિતકુમાર મંદિરની ધજા બદલવા માટે લોખંડની પાઇપમાં ધજા ભરાવીને મંદિર ઉપર ચડ્યો હતો. દરમિયાન મંદિર ઉપરથી પસાર થતી વીજ લાઈનને લોખંડનો પાઈપ અડી જતા દીક્ષિતકુમારને વીજ કરંટ લાગતા તે મંદિર પરથી નીચે પટકાયો હતો.
વીજ કરંટ લાગતા મંદિર ઉપરથી નીચે પટકાયેલા દિક્ષીતકુમારને માથાના ભાગે પથ્થર વાગતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. તે સમયે મંદિરમાં હાજર ઇજાગ્રસ્ત દિક્ષીતકુમારને સારવાર માટે કરજણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, તેણે સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. તબીબોએ દિક્ષીતકુમારને મૃત જાહેર કરતાજ હોસ્પિટલમાં હાજર લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. બીજી બાજુ દિક્ષીતકુમારના મોતના સમાચાર ગામમાં પ્રસરતા ગમગીની ફેલાઇ ગઇ હતી.
ભરથાલી ગામમાં આઠમના દિવસે બનેલા આ બનાવને પગલે ગામમાં ચકચાર મચી ગઇ હતી. આ બનાવ અંગે કરજણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.