મુજપુર ગામ પાસે કંપનીમાં મિત્ર સાથે બેઠેલો યુવાન અચાનક ઢળી પડ્યો, તબીબોએ મૃત જાહેર કર્યેા

ચોકારી ગામે રહેતા રમેશભાઇ ગોહિલ ફર્સ્ટ શિફ્ટમાં કંપનીમાં નોકરી ઉપર ગયા હતા

MailVadodara.com - A-young-man-sitting-with-a-friend-suddenly-collapsed-near-Mujpur-village-doctors-declared-him-dead

- ગઈકાલે બપોરે જમીને મિત્ર સાથે બેઠા હતા તે સમયે રમેશભાઇને ચક્કર આવતા ઢળી પડ્યા હતા, રમેશભાઇના અણધાર્યા મોતે કંપનીમાં પણ ગમગીની ફેલાવી દીધી

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામ પાસે આવેલી કંપનીમાં નોકરી કરતા કર્મચારીને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હતું. ગઈકાલે બપોરના સમયે જમીને મિત્ર સાથે બેઠા હતા તે સમયે ચક્કર આવતા ઢળી પડ્યા હતા અને મોત નીપજ્યું હતું.

પાદરા પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે પાદરા તાલુકાના ચોકારી ગામ સુથારીપુરામાં રમેશભાઇ ચતુરભાઈ ગોહિલ (ઉં.વ. 44) પરિવાર સાથે રહેતા હતા. મંગળવારે ફર્સ્ટ શિફ્ટમાં તે મુજપુર ગામની સીમમાં આવેલી કંપનીમાં નોકરી ઉપર ગયા હતા. બપોરના સમયે તે જમ્યા બાદ એલ.એસ.એમ. વિભાગમાં મિત્ર સાથે પાટલી ઉપર બેઠા હતા. આ દરમિયાન એકાએક રમેશભાઇ ગોહિલ પાટલી ઉપરથી ઢળી પડ્યા હતા. રમેશભાઇ પાટલી ઉપરથી ઢળી પડતાં સાથી મિત્ર પણ સ્તબ્ધ થઈ ગયા હતા. તેઓએ તુરંત જ અન્ય કર્મચારીઓને બોલાવી લીધા હતા. બાદમાં બેભાન અવસ્થામાં રમેશભાઇને ડભાસા ખાતે આવેલી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ તબીબોએ રમેશભાઇને મૃત જાહેર કર્યા હતા.

રમેશભાઇને હાર્ટ એટેક આવતા અવસાન થયું હોવાની જાણ પરિવારજનોને થતાં ભાઈ જીતુભાઈ ગોહિલ સહિત હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જ્યાં પરિવારજનોના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. રમેશભાઇના અણધાર્યા મોતે કંપનીમાં પણ ગમગીની ફેલાવી દીધી હતી. આ બનાવને પગલે ચોકારી ગામ સુથારીપુરામાં પણ ગમગીની ફેલાવી દીધી હતી.

બીજીબાજુ બનાવની જાણ પાદરા પોલીસને કરવામાં આવતા હેડ કોન્સ્ટેબલ રાહુલભાઈ તેજાભાઈ સ્ટાફ સાથે પહોંચી ગયા હતા. અને હોસ્પિટલ, કર્મચારીઓ તેમજ પરિવારજનો પાસેથી માહિતી મેળવી કાર્યવાહી હાથ ધરી હતી.

Share :

Leave a Comments