- ધ્રુવ ઉપાધ્યાય સાંજે નોકરી પરથી છૂટ્યા બાદ બાઇક પર ઘરે જતો હતો
શહેર નજીક પોર હાઇવે ઉપર રસ્તામાં પડેલા લાકડાના કારણે બાઇક સ્લિપ ખાઈ જતા યુવક રોડ પર નીચે પટકાયો હતો. તેજ સમયે પુરપાટ પસાર થયેલી ટ્રક યુવાન ઉપર ફરી વળતા તેનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ. કંપનીમાં પ્રમોશન મળ્યું તેજ દિવસે મોતને ભેટનાર આ યુવાન પરિવારનો એકનો એક પુત્ર હતો. અરેરાટીભર્યા આ બનાવ અંગે વરણામાં પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મળેલી માહિતી પ્રમાણે, પોર ગામમાં બ્રહ્મપુરી ફળિયામાં રહેતો 24 વર્ષીય ધ્રુવ વિપુલભાઈ ઉપાધ્યાય પરિવારનો એકનો એક પુત્ર હતો. તે વડોદરા જુના પાદરા રોડ ઉપર આવેલ ઇન્સ્યોરન્સ કંપનીમાં સિનિયર ઓફિસર તરીકે નોકરી કરતો હતો. સાંજે નોકરી પરથી છૂટ્યા બાદ પોતાની બાઇક લઈને તે ઘરે જઈ રહ્યો હતો. તે દરમિયાન આ સર્જાયેલી દુર્ઘટનામાં તે મોતને ભેટ્યો હતો.
અકસ્માતમાં મોતને ભેટેલા ધ્રુવ ઉપાધ્યાયના માંજલપુર ખાતે રહેતા મામા રીન્કુભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, ધ્રુવ મારો એકનો એક ભાણેજ હતો. સાંજે તે નોકરી પરથી છૂટીને ઘરે જઈ રહ્યો હતો, તે દરમિયાન જૈન મંદિર પાસે રસ્તામાં લાકડું આવી જવાના કારણે તેની બાઈક સ્લિપ થઈ જતા તે રોડ ઉપર પટકાયો હતો. તેજ સમયે વડોદરાથી સુરત તરફ જતી ટ્રક તેના ઉપર ફરી વળતા તેનું સ્થળ ઉપર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અજાણ્યા ટ્રક ચાલક સામે વરણામાં પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ધ્રુવ ઇન્સ્યોરન્સ કંપનીમાં સિનિયર ઓફિસર તરીકે નોકરી કરતો હતો. જે દિવસે અકસ્માત થયો તેજ દિવસે તેનું પ્રમોશન થયું હતું. આથી તેને પ્રમોશન મળ્યાના સમાચાર પરિવારજનોને આપ્યા હતા. તે દિવસે તે ખૂબજ ખૂશ હતો. પરંતુ તે સાંજે પરિવારને આવીને મળી પ્રમોશનની ખૂશી મનાવે તે પૂર્વે જ તે અકસ્માતમાં મોતને ભેટ્યો હતો. ધ્રુવને મળેલા પ્રમોશનથી પરિવારજનો પણ ખૂશ હતા અને ધ્રુવને શુભેચ્છા આપવા આતુર હતા. પરંતુ ધ્રુવના મોતના સમાચાર આવતા પરિવાર ઉપર આભ ફાટ્યું હતું. આ બનાવ અંગે વરણામાં પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.